ગુજરાતમાં ફરી એકવાર પેપરલીક, પરીક્ષા રદ, હજારો વિદ્યાર્થીના ભાવિ સાથે 'ભવાઇ'

Webdunia
ગુરુવાર, 13 ઑક્ટોબર 2022 (12:07 IST)
ગુજરાતમાં ફરી એકવાર પેપરલીકનો કાંડ સામે આવ્યો છે. આ વખતે કોઇ સરકારી પરીક્ષા નહી પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરમાં ફૂટ્યું હોવાની ઘટના સામે આવી છે. પેપર લીકની ઘટના બાદ આજની પરીક્ષા રદ કરવામાં આવી છે. બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. જ્યારે, બી. કોમ નું આજનું પેપર રદ્ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પરીક્ષા નિયામક નિલેશ સોનીની મોડી રાત સુધી પુછપરછ કરવામાં આવી હતી.  
 
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખાનગી સમાચારપત્રોની પ્રેસનોટ પેટીમાં કોઈ પરીક્ષાનું પેપર નાખીને જતું રહ્યું હતું. પોલીસને પ્રેસનોટ પેટીમાંથી પરીક્ષાનું પેપર પણ મળી આવ્યું હતું. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે પરીક્ષા નિયામક નિલેશ સોનીની પૂછપરછ કરી. પોલીસ આ મામલે આજે ફરિયાાદ પણ નોંધશે.
 
પરીક્ષા નિયામક નીલેશ સોનીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીને અને તેઓને ચોક્કસ કારણથી ટાર્ગેટ બનાવવા માટે આ બંને પેપર ફોડવામાં આવેલ છે.યુનિવર્સિટી દ્વારા સીલબંધ કવરમાં આગલા દિવસે કોલેજો ઉપર પેપરો રવાના કરાતા હોય છે અને તેનો વીડિયો ઉતારી પરીક્ષા વિભાગને મોકલવાનો હોય છે. પરંતુ આ ઘટનામાં યુનિવર્સિટીને નુકસાન પહોંચાડવા માટે કોઇ કોલેજ સંચાલકોએ આ કૃત્ય કર્યું છે. આ કૃત્ય કરનાર કોલેજનું જોડાણ રદ કરવા સુધીનાં પગલા લેવામાં આવશે.
 
13 ઓક્ટોબરે લેવાનારી બંને પરીક્ષાના પેપરની એક કોપી 12 ઓક્ટોબરે મીડિયા પાસે પહોંચી હતી. બી. કોમનું આજનું પેપર રદ થતાં 70 થી વધુ કોલેજના 4 હજારથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે. પેપર લીક પ્રકરણમાં આજે ગુનો દાખલ કરવામાં આવશે. આજે સવારે ફરી યુનિવર્સિટીના સતાવાળાઓ ભક્તિનગર પોલીસ સ્ટેશનને પહોંચ્યા છે અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
 
બીકોમની પરીક્ષામાં 14000 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના હતા પરંતુ પેપર લીક થવાના કારણે તે આપી શક્યા નથી. 2016 ની પરીક્ષામાં 2700 વિદ્યાર્થીઓ છે તેમણે અને બીબીએના 2000 જેટલા વિદ્યાર્થીઓએ રાબેતા મુજબ પરીક્ષા આપી છે.

સંબંધિત સમાચાર

Next Article