મગફળી કાંડ મુદ્દે ધાનાણીનો આક્ષેપ, કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે

Webdunia
શનિવાર, 22 જૂન 2019 (12:01 IST)
ગુજરાતમાં અગાઉ ચર્ચાએ ચઢેલા અનજ કૌભાંડો હજી શાંત નથી થયાં ત્યારે ફરી એક વાર મગફળીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કચ્છના ગાંધીધામ ખાતેના શાંતિ ગોડાઉનમાં શંકાના આધારે દરોડા પાડ્યાં હતાં. આ દરોડા દરમિયાન મગફળીની બોરી માંથી પત્થર અને માટી નિકળી હતી. આ મુદ્દે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર અને સત્તાધારી ભાજપ પર આક્ષેપો કરતાં કહ્યું કે સરકારના મળતિયાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યુ છે. આ કૌભાંડમાં ભાજપના મળતિયાઓ જોડાયેલા છે. મગફળી કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે. ગુજરાતની જનતા સવાલ પૂછે કે કોના ઇશારે આ મગફળી કૌભાંડ છાવરવામાં આવી રહ્યું છે, તે સવાલ ગુજરાતની જનતા પૂછી રહી છે. 

પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે છતાં બે વર્ષ પછી રાજ્ય સરકાર મગફળી કાંડના મળતિયાઓને છાવરતી રહી છે. મગફળીમાંથી કાંકરા નીકળે તેનો સરકાર જવાબ આપે. સરકારના જ મળતિયાઓએ પહેલાં મગફળીના ગોડાઉન સળગાવ્યા હતા. મેં 96 જગ્યાએ પ્રતિક ઉપવાસ ધરણા કર્યા હતા. ધાનાણીએ કહ્યું, “જો મગફળી કાંડની તટસ્થ તપાસ થાય તો મગફળી કાંડના તાર મુખ્યમંત્રી કાર્યલાય સુધી જાય તેવી પૂરતી શક્યતા છે. ધાનાણીએ કહ્યું હતું કે વર્ષ 2017થી શરૂ થયેલું આ કૌભાંડ ચાર હજાર કરોડનું છે.

પરેશ ધાનાણીના આક્ષેપ અને કચ્છના મગફળી કૌભાંડ વિશે નાફેડના વાઇસ ચેરમેન અને સહકારી આગેવાન પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે આ ઘટના વર્ષ 2017ની છે, કોંગ્રેસ ખોટી રીતે આક્ષેપ કરી રહી છે. લોકોએ રાજ્ય સરકાર અને વિજય રૂપાણી અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂકીને રાજ્યમાં 2 લાખ કરતાં વધુ મતથી સીટો જીતી છે. કોંગ્રેસે ખોટી રીતે હોબાળાઓ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી કોઈ એજન્ડા નથી. તેમનો નેતા સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન મોબાઇલ વાપરતા જોવા મળે છે.

સંબંધિત સમાચાર

Next Article