નવરંગપુરાના Viva 3 બિલ્ડિંગમાં આગ, ઉપરનો માળ બળીને ખાક થઈ ગયો

Webdunia
શનિવાર, 7 એપ્રિલ 2018 (11:22 IST)
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા Viva 3 કોમર્શિયલ બિલ્ડિંગમાં આજે સવારે સૌથી ઉપરના માળે અચાનક જ આગ ફાટી નીકળી હતી. ગણતરીની મિનિટોમાં જ આ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલા તો આગની વિકરાળ જ્વાળાઓએ બિલ્ડિંગના ઉપરના ભાગને ખાક કરી દીધો હતો. આગની જ્વાળાઓ બારીઓની બહારથી પણ દેખાઈ રહી હતી.આગે ગંભીર સ્વરુપ ધારણ કરતા ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી પણ જોઈ શકાતા હતા. ફાયરબ્રિગેડના ત્રણ ટેન્કરો આગ પર કાબૂ મેળવવા માટે ધસી આવ્યા હતા, અને પાણીનો મારો ચાલુ કરવામાં આવ્યો હતો. થોડી જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

આગ કયા કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી મળી શકી નથી.બિલ્ડિંગના પાછળના ભાગ સુધી પણ આગ ફેલાઈ ગઈ હોવાના કારણે ફાયરબ્રિગેડના જવાનોએ બાજુની બિલ્ડિંગની છત પર ચઢીને પાણીનો મારો ચલાવ્યો હતો. આગ સવારના સમયે લાગી હોવાથી બિલ્ડિંગમાં આવેલી ઓફિસો અને દુકાનો બંધ હતી, જેના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી.

સંબંધિત સમાચાર

Next Article