આજે ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રનો ત્રીજો દિવસ છે. ત્યારે ગુજરાતના એક પીડિત ખેડૂત ગાંધીનગર માં વિરોધ કરવા પહોંચ્યા હતા. તેઓ વિરોધ દર્શાવવા માટે કપાસની મોટી ગાસડીઓ ગાંધીનગરમાં લઈ આવ્યા હતા. તળાજાના આ ખેડૂતની પોલીસે અટકાયત કરી હતી. ખેડૂતોની હાલત ચારેતરફથી દયનીય બની છે. એક તરફ આકાશી આફત, ને બીજી તરફ માંડ માંડ પાક પાકે ત્યા પૂરતો ભાવ ન મળે તો રોવાનો વારો આવે છે. આવામાં તળાજાના એક ખેડૂત કપાસ અને મગફળીનો પોષણક્ષમ ભાવ ન મળતા વિરોધ કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. તળાજાના બોડકી ગામના ગીગાભાઈ નામના ખેડૂત ન્યાયની માંગણી સાથે ગાંધીનગર આવ્યા હતા. તેઓ છોટા હાથી પીક અપ વાનમાં કપાસ લઈને વિધાનસભાના ગેટ નંબર 4 પર પહોંચ્યા હતા. તેઓ કપાસનો ઢગલો ગેટ પાસ કરવા જતા હતા, ત્યાં ગાંધીનગર પોલીસે તેમની અટકાયત કરી હતી. તો બીજી તરફ, પોલીસે ખેડૂતને મીડિયાની નજરથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ મીડિયા કર્મચારીઓને કવરેજ કરતા પણ રોક્યા હતા. વિરોધ દર્શાવતા ખેડૂતે કહ્યું હતું કે, હું કપાસ અને મગફળીનો પોષણ ક્ષમ ભાવ ન મળતાં વિરોધ કરવા પહોંચ્યો છું. ગીગાભાઈએ ગત વર્ષે કપાસની ખરીદી માટે ઓનલાઇન અરજી કરી હતી. તેમના પાછીના ખેડુતોના કપાસની ખરીદી થઇ હતી, પણ તેમના કપાસની ખરીદી ન થતાં તેઓ વિરોધ કરવા સીધા ગાંધીનગર આવ્યા હતા. આ માટે તેઓ પોતાનો કપાસ લઈને આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ કપાસ સચિવાલયમાં નાંખવું છે. ગત વર્ષે કપાસ ખરીદીમાં કૌભાંડ થયું હતું. તેમજ કપાસની ખરીદીમાં યાર્ડના હોદ્દેદારો પણ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તેથી વિફરેલા ખેડૂતે આ રીતે વિરોધ દર્શાવવાનું નક્કી કર્યુ હતું.