અમારી સાથે મોટી રમત રમાઈ, મેં ખોટા વ્યક્તિનો ભરોસો કર્યો : મહંત દિલીપદાસજી

Webdunia
બુધવાર, 24 જૂન 2020 (12:45 IST)

અમદાવાદમાં આ વખતે હાઇકોર્ટની મનાઇ બાદ આષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી શકી ન હતી. રથયાત્રાના બીજા દિવસે એટલે કે આજે ભગવાનની નજર ઉતારીને તેમને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમની સાથે રમત રમવામાં આવી છે. મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે તેમને રથયાત્રા કાઢવા દેવામાં આવશે તેવો ભરોસો અપાવવામાં આવ્યો હતો. આ મામલે નિવેદન આપતી વખતે મંદિરના મહંત રડી પડ્યા હતા. તેમણે આ વર્ષે રથયાત્રા ન નીકળી શકી તે માટે શહેરીજનો અને ભક્તોની માફી માંગી હતી.આ વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યાએ ન નીકળી શક્યા તે મામલે મીડિયાને નિવેદન આપતા મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, "આ વર્ષે ખૂબ જ દુર્ભાગ્યની વાત છે કે હું શહેરમાં ભગવાન જગન્નાથને ન લાવી શક્યો. હું તમને ભગવાનના દર્શન ન કરાવી શક્યો. મને છેક મંગળા આરતી સુધી ભરોસો આપવામાં આવ્યો હતો કે રથયાત્રા નીકળશે. એ જ ભરોસાને કારણે હું કંઈ ન કરી શક્યો. જે પણ કહો પરંતુ અમારી સાથે મોટી રમત રમવામાં આવી છે. અમે આ વાત તમને કહી નથી શકતા."મીડિયાને આ મામલે નિવેદન આપતી વખતે મહંત રડી પડ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું કે,  હું કોઈનું નામ નથી લેવા માંગતો પરંતુ કોઈ વ્યક્તિના બદલે જો ભગવાન પર ભરોસો રાખ્યો હોત તો મારું કામ થઈ જતું."પુરીની જગન્નાથ યાત્રાને મંજૂરી મળ્યા બાદ અમદાવાદમાં પણ રથયાત્રા નીકળે તે માટે અંતિમ ઘડી સુધી પ્રયાસો થયા હતા.  

સંબંધિત સમાચાર

Next Article