સમગ્ર રાજ્યમાં શીત પ્રકોપનો કહેર યથાવત જોવા મળ્યો છે. 5.6 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર સાબિત થયું છે. તો બીજી બાજુ અમદાવાદ સહિત મહાનગરોમાં ભારે ઠંડી પડી રહી છે. મહત્વનું એ છે કે, ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ઠંડી વધી ગઇ છે, જેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં હજી ઠંડી વધવાની શક્યતા વ્યકત કરાઇ છે.
રાજ્યમાં હજુ પણ શીતપ્રકોપ વધવાના અણસાર જોવા મળી રહ્યાં છે. કારણ કે બંગાળની ખાડીમાં સર્જાયેલા પેથાઈ ચક્રવાતની અસર ઉત્તર ભારતમાં પડશે અને તેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો સપાટો જોવા મળી શકે છે. આગામી 12 કલાકની અંદર બંગાળની ખાડીમાં ચક્રવાત પેથાઈનું સંકટ મંડરાઈ રહ્યું છે. ખાડીના દક્ષિણ-ઉત્તરમાં ઓછા દબાણવાળો વિસ્તાર છે જે આંધ્રપ્રદેશના કિનારાના વિસ્તારોમાં તોફાન લઈને આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ પેથાઈ ચક્રવાત ધીમે ધીમે આગળ વધી આંધ્રપ્રદેશ અને ઉત્તરી તમિલનાડુથી પશ્ચિમ તરફ વધી શકે છે.
જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. હાલ ખાડીમાં સર્જાયેલા આ ચક્રવાતના કારણે વાદળો છવાયેલા છે. જેના કારણે ઉત્તર ભારત તરફથી આવી રહેલા ઠંડા પવનોના કારણે ઠંડીમાં પણ વધારો નોંધાયો છે. હાલ કિનારાના વિસ્તારમાં 13 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. પેથાઈ ચક્રવાત આંધ્રપ્રદેશના કિનારાના વિસ્તારો ઓંગોલે અને કાકીનાડાએ 17 ડિસેમ્બરે અથડાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જે દરમિયાન શનિવારે અને રવિવારે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છમાં ઠંડા પવન ફુંકાઇ રહ્યાં છે. કોલ્ડવેવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોલ્ડવેવની સીધી અસર કચ્છમાં જોવા મળી છે. જ્યાં 5 થી 6 ડિગ્રી તાપમાનનો ઘટાડો નોંધાયો છે. નલિયામાં 5.6 ડિગ્રી તાપમાન સાથે કચ્છમાં સતત ઠંડીમાં વધારો નોંધાયો છે. તો બીજી બાજુ હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. જેને લીધે કચ્છ સહિત શહેરોમાં કોલ્ડવેવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બનાસકાંઠાનાં ડીસામાં 11 ડિગ્રી અને પાલનપુરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અહીં પણ સતત ઠંડા પવનો વહી રહ્યાં છે. કેટલાક લોકો વહેલી સાંજથી લઈને સવારે તાપણાનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠા વિસ્તાર રાજસ્થાનને અડીને આવેલો પ્રદેશ હોવાથી સતત ઠંડીમાં વધારો થવા પામ્યો છે. તો બીજી તરફ, ગુજરાતને અડીને આવેલુ હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ ઠંડુગાર બની ગયું છે. અહીં ખુલ્લામાં પાણી મૂકાતા ત્યાં બરફ જામી જતા વાર નથી લાગી રહી. તો હવામાન ખાતાએ આગાહી કરી છે કે, 18મી તારીખથી ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડવાની છે. રાજ્યમાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચુ જાય તેવી શક્યતા છે. ઠંડીનું મોજુ 27 ડિસેમ્બર સુધી રાજ્યમાં રહેશે તેવુ હવામાન ખાતાનું કહેવુ છે.