આજે ડેક્કનના છક્કા છોડાવશે પંજાબ કિંગ્સ

શુક્રવાર, 23 મે 2008 (15:34 IST)
મોહાલી. આઇપીએલમાં સૌથી પ્રથમ સ્થાન મેળવી ચુકેલી કિંગ્સ 11 પંજાબ આજે મોહાલી ખાતે છેક છેલ્લા ક્રમે રહેલી હૈદરાબાદની ડેક્કન ચાર્જર્સ પીસીએ સ્‍ટેડિયમ ખાતે રમાનારી મેચમાં ટકરાશે. પોઇંટ ટેબલમાં હૈદરાબાદની ટીમ 11 મેચમાંથી બે વિજયના ચાર પોઇંટ સાથે છેક છેલ્લા ક્રમે છે.

આજે સેટ મેકસ પરથી રાત્રે 8.00 કલાકે મેચનું પ્રસારણ કરાશે. ડેક્કન ચાર્જર્સને સેમિફાઇનલમાં પ્રવેશવાની કોઇ શકયતા નથી પણ શુક્રવારની મેચમાં તે પ્રતિષ્ઠા બચાવવા માટે રમશે. બીજી તરફ પંજાબની ટીમ 11 મેચમાંથી આઠ મેચ જીતી ચૂકી છે અને 16 પોઇંટ સાથે બીજા સ્‍થાને છે. આમ સેમિફાઇનલમાં તેનો પ્રવેશ લગભગ નક્કિ છે.
જોકે આ મેચમાં વરસાદનું જોખમ પણ રહેલું છે અને મેચ રમાય તો પંજાબની ટીમ જ ફેવરિટ છે. પંજાબે બુધવારે મુંબઇ સામે એક રનથી રોમાંચક વિજય હાંસલ કરીને સેમિફાઇનલમાં તેનો પ્રવેશ લગભગ નિશ્ચત કરી દીધો હતો પણ શુક્રવારે હૈદરાબાદ સામેની મેચ જીતીને તે સુરક્ષિત સ્‍થિતિમાં આવી જવાનું પસંદ કરશે.

હાલના તબક્કે તમામની ચિંતાનો વિષય વરસાદ છે. દેશના ઉત્તર ભાગમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે શુક્રવારે પણ ચંદીગઢ અને તેના આસપાસના પ્રદેશમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરેલી છે. પીસીએ સ્‍ટેડિયમના ગ્રાઉંડ કયુરેટર દલજિતસિંધે જણાવ્‍યું હતું કે વરસાદને ઘ્‍યાનમાં રાખીને પિચ કવર કરી દેવાઇ છે.

વેબદુનિયા પર વાંચો