વેબદુનિયા ગુજરાતી વાર્તા- એક નાનું સરખું ગામ. ગામમાં સાસુ વહુ રહે. ખાધે પીધે સુખી. ધરમ ધ્યાન અને પૂજા પાઠ કરે. બન્ને જીવના ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ, અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જાય. વહુ બિચારી ભોળી અને સીધી સાદી પણ સાસુનો રોફ ભારે. સાસુનાં કપડાં ઘડીબંધ હોય. પોતાના મોભાનો બરાબર ખ્યાલ રાખે. કોઈની તાકાત છે કે એને બે વેણ સંભળાવી જાય. બોલવામાં તો બહુ આકરી.
આ ગામથી ચાર ગાઉ દૂર બાજુના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે. અવારનવાર ચાલતો આ સાસુ વહુના ઘરે આવે અને ખપજોગું સીધું-સામાન માગીને લઈ જાય. સાસુ વહુ પણ તેને પ્રેમથી જે ચીજ જોઈતી હોય તે આપે.
એક દિવસ બન્યું એવું કે સાસુને કંઈ કામસર બાજુના ગામમાં જવાનું થયું. બીજી બાજુ પેલા ગરીબ બ્રાહ્મણને લોટની જરૂર પડી એટલે તે ડબ્બો લઈને આ સાસુ વહુના ગામે લોટ માગવા આવ્યો. સાસુ તો હતા નહિ એટલે વહુ પાસે લોટ માગ્યો.
વહુ અંદર રસોડામાં જઈને જૂએ તો લોટ બધો ખલાસ થઈ ગયેલો. ઘરમાં જરી પણ લોટ ન મળે. બહાર આવીને કહે ‘મહારાજ! લોટ તો બધો ખલાસ થઈ ગયો છે. આજ તો મળે તેમ નથી. તમે એકાદ-બે દિવસ પછી આવો તો આપું.’
બ્રાહ્મણ તો નિરાશ થઈ ગયો. તેને લોટની બહુ જરૂર હતી. એને મનમાં એવી શંકા પણ થઈ કે કદાચ વહુએ ખોટેખોટી ના પાડી હશે. સાસુ ઘરે હોત તો મને ચોક્કસ લોટ મળત. પણ એ કંઈ બોલ્યા વિના પાછો પોતાને ગામ ગયો.
એ ચાર ગાઉ ચાલીને પોતાને ગામ પાછો આવ્યો તો ત્યાં અચાનક તેનો સાસુ સાથે ભેટો થઈ ગયો. સાસુને જોઈને કહે : ‘આજે તમારે ઘેર લોટ માગવા ગયો હતો પણ લોટ ન મળ્યો. વહુ કહે છે કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે.’
આ સાંભળીને સાસુનો મિજાજ છટક્યો. કહે : ‘એવું તે હોય કાંઈ. ચાલો મારી સાથે. વહુ એના મનમાં સમજે છે શું? વહુથી ના પડાય જ કેમ.’
બ્રાહ્મણ તો બિચારો રાજી થઈને ફરી સાસુની સાથે ચાર ગાઉ ચાલીને એ બન્નેનાં ઘરે ગયો. સાસુ બ્રાહ્મણ પાસેથી રોફભેર ખાલી ડબ્બો લઈને લોટ ભરવા રસોડામાં ગયા. પણ જઈને જૂએ તો વહુની વાત સાચી હતી. રસોડામાં જરા પણ લોટ ન હતો. પણ સાસુ એ સાસુ. લીધેલી વાત છોડે એ બીજા. બહાર આવીને કહે : ‘આ અમારી વહુને તે કાંઈ ખબર પડે છે? સાવ નાદાન છે. હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ? ના પાડવાનો હક્ક તો ફક્ત મારો છે. લ્યો ચાલો હવે હું ના પાડું છું કે ઘરમાં લોટ નથી એટલે તમને આપી શકાય તેમ નથી.’
બ્રાહ્મણ તો બિચારો મોં વકાસીને જોઈ જ રહ્યો. એને થયું કે ‘હે ભગવાન! હું ફરી વાર ચાર ગાઉ ચાલીને આવ્યો અને તે પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે!’