નાગા બાવાઓ રાત્રે બા'ર નો નિકળે : જૂનાગઢ કલેક્ટર

બુધવાર, 5 નવેમ્બર 2014 (14:24 IST)
સોમવારે રાતથી ઑફિશ્યલ શરૂ થયેલી ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન જંગલમાં રહેતા નાગાબાવાઓ બહાર આવીને પોતાની વિધિઓ કરતા હોવાથી પ્રવાસીઓને ડર લાગતો હોવાના ન્યુઝ મળ્યા પછી ગઈ કાલે જૂનાગઢના કલેક્ટર આલોકકુમાર પાન્ડેએ ભારતીય સાધુ સમાજના અગ્રણીઓ દ્વારા બાવાઓને સંદેશો મોકલ્યો હતો કે તે લોકો રાતના સમયે હમણાં પરિક્રમાના પથ પર ન આવે,

જેથી યાત્રાળુઓને કોઈ બીક લાગે નહીં. આલોકકુમાર પાન્ડેએ કહ્યું હતું, ‘એમનો દેખાવ અને એમની રીતભાત ડરાવી શકે એવી હોય છે. સોમવારે રાતે અનેક જગ્યાએથી આ પ્રકારની ફરિયાદ આવી એટલે અમે તેમને વિનંતી કરી છે. અગાઉ પણ આ પ્રકારની વિનંતી કરવામાં આવી છે અને તેમણે સ્વૈચ્છિક રીતે એ વિનંતી માન્ય પણ રાખી છે.’

સોમવારે વિધિપૂર્વક પરિક્રમા શરૂ થાય એ પહેલાં જ પરિક્રમા માટે અંદાજે ચાર લાખ લોકો જંગલમાં ઊતરી ગયા હતા, એ લોકોએ ગઈ કાલે યાત્રા પૂર્ણ કરી લીધી હતી; જ્યારે ૪,૦૮,૯૦૦ લોકોએ ગઈ કાલે યાત્રા શરૂ કરી હતી. એક જ દિવસમાં આટલા યાત્રાળુઓ જંગલમાં ઊતરતાં કોઈ મોટા શહેરની ગિરદીવાળું માર્કેટ હોય એ પ્રકારનું દૃશ્ય પરિક્રમાના માર્ગ પર જોવા મળતું હતું.

ચાર દિવસ અને ત્રણ રાતની આ પરિક્રમામાં આ વર્ષે અંદાજે દસ લાખ લોકો ભાગ લે એવી સંભાવના છે.

વેબદુનિયા પર વાંચો