ગુજરાતમાં 24 કલાકમાં વરસાદ પડશે - હવામાન ખાતુ

શુક્રવાર, 10 જૂન 2016 (23:48 IST)
વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળો છવાયા છે, જોરદાર પવન ફૂંકાઇ રહ્યા છે. ગરમીમાં ઘટાડો થયો છે, પણ ઉકળાટ બફારો યથાવત છે. કેરળમાં રૂમઝુમ કરતું ચોમાસુ બેસી ગયું છે. આવતા અઠવાડીયે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ જાય તેવા એંધાણ છે. જો કોઇ વરસાદ વિરોધી સિસ્ટમ ન ઉદભવે તો સમયસર વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.

   બીજી તરફ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વરસાદના આગમમની રાહ જોઇ રહ્યા છે. સામાન્ય રીતે જુનના પ્રથમ કે બીજા અઠવાડીયામાં ચોમાસાનું આગમન થઇ જતું હોય છે.

   કર્ણાટકથી ગોવાની વચ્ચે અરબીસમુદ્રમાં એક સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે. જે 2.1 થી 7.6 કિ. મી. ની વચ્ચે છે. જેની અસરથી કર્ણાટકથી ગોવાના દરિયાકિનારાના વિસ્તારોમાં 24 કલાકમાં વરસાદ પડશે. હાલ સાયકલોનીક સરકયુલેશન છે. જે ડિપ્રેશન બને તેવી પૂરેપૂરી શકયતા છે. જેની અસરથી કર્ણાટકથી મુંબઇના દરિયાકિનારે સાર્વત્રીક વરસાદની શકયતા છે. ઉપરોકત સિસ્ટમ જો સક્રીય રહેશે તો ગુજરાતમાં ચોમાસુ ઝડપથી આગળ વધી જશે. જેથી આ સિસ્ટમ પર વોચ રાખવી પડશે.

   સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં વાતાવરણમાં પલ્ટો આવી ગયો છે. ઘનઘોર વાદળો છવાયા છે. પવનનું જોર યથાવત છે. તો ગરમીમાં ઘટાડો થયો છે પણ બફારાનું અનુભવ જોવા મળે છે. છુટાછવાયા સ્થળોએ ઝાપટાની આગાહી કરાઇ છે.

   દરમિયાન રાજકોટ શહેરમાં પણ આજે સવારથી વાદળો છવાયા છે. સવારથી જ જોરદાર પવન ફુંકાઇ રહ્યા છે. ગરમીમાં ઘટાડો થતાં શહેરીજનોને આંશિક રાહત મળી છે

વેબદુનિયા પર વાંચો