Film Review- "આવ તારુ કરી નાંખું'' ફિલ્મમાં બાપ બેટાઓનો પ્રોબ્લેમ દર્શકોને પેટ પકડીને હસાવશે.

Webdunia
શુક્રવાર, 2 જૂન 2017 (13:05 IST)
'આવ તારુ કરી નાંખું'' આ એક એવી ગુજરાતી ફિલ્મ છે, જેમાં પિતા અને બે પુત્રોની વાત છે. પિતા પોતાના બે પુત્રોના લગ્ન કરાવીને તેમને જીવનમાં સ્થાઈ કરવા માંગે છે. તો પુત્રો પિતાના આ વિચારને ગણતા જ નથી. પ્રસિદ્ધ અભિનેતા ટિકુ તલસાણિયાએ આ ફિલ્મમાં હસમુખભાઈનો રોલ કર્યો છે. હસમુખ ભાઈ એક કરોડપતિ માણસ છે. તેઓ પોતાના બંને પુત્રોના લગ્ન કરાવીને તેમને જીવનમાં સ્થાઈ કરીને આરામથી જીવવા માંગે છે, પણ તેમના બંને પુત્રો લગ્ન કરવા નથી માંગતા. હસમુખલાલના મોટા પુત્રનો રોલ ટીવી સિરિયલના જાણીતા અભિનેતા અમર ઉપાધ્યાય કરી રહ્યાં છે. તેઓ આ ફિલ્મમાં દુષ્યંત નામના મોટા પુત્રનો રોલ કરે છે. જ્યારે નાના પુત્રનો રોલ આદિત્ય કાપડિયાએ કર્યો છે. દુષ્યંત પોતાના અંગત કારણોસર લગ્ન કરવા માંગતા નથી. જ્યારે નાનો પુત્ર હિમાંશું હસમુખભાઈના હાથમાંથી છટકી ગયેલી કમાન જેવો છોકરો છે. બંને દિકરાઓની જીદના કારણે આખરે હસમુખ ભાઈ યુદ્ધે ચડે છે. આ ફિલ્મમાં મોટી સમસ્યા ત્યારે થાય છે જ્યારે હસમુખલાલ કોઈના પ્રેમમાં પડી જાય છે.  હસમુખલાલના પ્રેમ પ્રસંગમાં ભંગાણ પાડવા માટે હવે પુત્રો મેદાનમાં ઉતરે છે. તે ઉપરાંત બંને પુત્રોને પણ તેમની પ્રેમિકા મળી જાય છે.  આ ફિલ્મમાં અમર ઉપાધ્યાયના અભિનય આગળ મોનલ ગજ્જરનો અભિનય ચડી જાય તેવો છે. ટીકુ તલસાણિયા એક તોફાની બાપ તરીકે વધુ નિખર્યા છે. ત્યારે કાકી કાકાનો રોલ પણ જકડી રાખે એવો કોમેડી છે. આખરે બંને પુત્રો લગ્ન માટે પોતાની પ્રેમિકાને હસમુખલાલની સામે લાવે છે. ત્યાર પછીની વાત તો ફિલ્મ જોયા પછી જ ખબર પડે. આ ફિલ્મનું દિગ્દર્શન રાહુલ મેવાવાલાએ કર્યું છે. તો તપન ભટ્ટે ફિલ્મ લખી છે. કેદાર ભગત અને પિયુષ કનોઝિયાનું સંગીત છે. મોનલ ગજ્જરની આ બીજી ગુજરાતી ફિલ્મ છે.
 
 
Next Article