સુકા-લીલાં નાળિયેરનો ભરાવો થતાં હરાજી બંધ કરવી પડી

શુક્રવાર, 21 નવેમ્બર 2014 (16:43 IST)
સુકા-લીલાં નાળિયેરની હરાજી કરતા ગુજરાતના એક માત્ર મહુવા માર્કેટયાર્ડમાં માલનો ભરાવો થતાં આવકો બંધ કરવાની ફરજ પડી છે. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠે આવેલા અને સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવા શહેરમાં માર્કેટયાર્ડ ૬૦ વર્ષ જૂનું છે અને માર્કેટયાર્ડના આરંભથી લીલાં અને સુકા નાળિયેરની હરાજી થાય છે. નાળિયેરની ધૂમ આવકને પગલે માલનો ભરાવો થતાં આવકો બંધ કરવી પડી હોય તેવો આ પ્રથમ બનાવ છે. મહુવાના માર્કેટયાર્ડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ભાવનગરથી ઊના સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં લીલાં નાળિયેરનો મબલક પાક ઉતર્યો છે. હાલ માર્કેટ યાર્ડમાં દોઢ લાખ નંગ નાળિયેરનો ભરાવો થઈ ગયો છે. બીજી બાજુ ખૂલ્લા બજારમાં માગ ધીમી છે એટલે નાળિયેરના ભાવ પણ તૂટ્યા છે. દિવાળીના અરસામાં ૧૦૦ નંગ નાળિયેરનો ભાવ રૂ. ૧૩૦૦થી ૧૪૦૦ હતા જે અત્યારે ૧૦૦ નંગ નાળિયેરના ભાવ ૭૦૦થી ૮૦૦ થઈ ગયા છે. મહુવા યાર્ડના નાળિયેરના જથ્થાબંધ વિક્રેતાના જણાવ્યા મુજબ નાળિયેરની પુષ્કળ આવક અને ઠંડીને લીધે માગ ઘટતા તેના ભાવો ગગડ્યા છે. યાર્ડ દ્વારા તા. ૨૧મીથી તા. ૨૩મી નવેમ્બર સુધી નાળિયેરની આવકો માટે પ્રવેશબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ દિવસોમાં હરાજી પણ કરાશે નહીં. હવે નાળિયેરની હરાજી તા. ૨૪મી નવેમ્બરને સોમવારથી કરાશે.

મહુવા માર્કેટ યાર્ડના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, યાર્ડમાં પ્રતિદિન નાળિયેરની ૬૦-૬૫ હજાર નંગની આવક સામાન્ય દિવસોમાં થતી હોય છે અને માલની ખપત પણ થઈ જતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી માગ ઘટી છે અને ૩૦થી ૩૫ હજાર નંગ નાળિયેર વેચાય છે એના લીધે માલનો ભરાવો થયો છે. યાર્ડમાં હાલ દોઢ લાખ નંગ નાળિયેર પડ્યા છે એટલે જૂનો જથ્થો ક્લિયર થાય પછી જ નવી હરાજી શરૂ થશે. સૌરાષ્ટ્રમાં વેરાવળ, માંગરોળ, મહુવા, ઉના અને દીવ પંથકમાં નાળિયેરની ખેતી થાય છે અને ખેડૂતો લીલાં નાળિયેર મહુવા માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લાવતા હોય છે. જો કે હરાજીમાં આવતા નાળિયેર લીલાં-સૂકા હોય છે. શ્રીફળ જેવા હોતા નથી કે પીવા લાયક લીલાં પણ હોતા નથી. અડધા સૂકાયેલા નાળિયેરની હરાજી થાય છે અને તે ખરીદીને વેપારીઓ સુકા શ્રીફળ બનાવતા હોય છે.

વેબદુનિયા પર વાંચો