ઇસરોનાં સેટેલાઇટથી દેશમાં પહેલીવાર ગુજરાત ખેતરોની દેખરેખ રાખશે

શનિવાર, 31 જાન્યુઆરી 2015 (12:07 IST)
ગુજરાત સરકાર હવે ખેતીની જમીન પર નજર રાખવા માટે સેટેલાઈટનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે. દરેક ખેતર પર રોજેરોજ સેટેલાઈટથી નજર રાખવા અને તેનો તમામ ડેટા રાખવા માટે ઈસરોના સેટેલાઈટનો ઉપયોગ કરવા તરફ આગળ વધી રહી છે. ગઈકાલે આ માટે બેઠક બોલાવીને જરૃરી મંતવ્યો તથા સુચનો જાણવામાં આવ્યા હતા. જો ઈસરો સાથે સફળતાંપૂર્વક જોડાણ થઈ ગયું તો આગામી એપ્રિલ માસથી કામગીરીનો પ્રારંભ કરાશે.

સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારે એવું આયોજન કર્યું છે કે ખેતીની તમામ ઝીણામાં ઝીણી વિગતો ઉપલબ્ધ થાય તે માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ની ઉપગ્રહ આધારિત સેટેલાઈટ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે.
આ આયોજનથી થનારા ફાયદા, ગેરફાયદા કે મર્યાદાઓ જાણવા માટે ગઈકાલે ગુજરાત સરકારના કૃષિ વિભાગે એક બેઠક બોલાવી હતી. કૃષિ ક્ષેત્રના નિષ્ણાંતો, કૃષિ તજજ્ઞાો, અધિકારીઓ અને મંત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સેટેલાઈટથી ખેતીની જમીનનો ડેટા તૈયાર કરવા, તે ડેટાનો રેકોર્ડ ઉભો કરવા અને ત્યારબાદ ખેતીની જમીનની સેટેલાઈટથી દરરોજે દરરોજનું અપડેટ રાખવા સહિતની કામગીરી કરવાની સમગ્ર યોજના સમજાવવામાં આવી હતી.

સમગ્ર યોજના અંગે જાણકારી આપીને તેની ખામી, ખુબીઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ પાસેથી તે અંગેના જરૃરી મંતવ્યો જાણવામાં આવ્યા હતા. જો ઈસરો સાથે આ સેટેલાઈટ પધ્ધતિ અંગે જરૃરી સમજુતી સધાઈ જશે તો આગામી નાણાકીય વર્ષ એપ્રિલ માસથી જ તેનો અમલ શરૃ કરી દેવાશે.

સરકારના સૂત્રોએ કહ્યું કે સરકાર જો આ સેટેલાઈટ સિસ્ટમનો ઉપયોગ કરશે તો તેનાથી રાજ્યના તમામ ખેતરોની માહિતી મળતી રહેશે. ક્યાં ખેતરમાં ખેડૂતે ક્યો પાક વાવ્યો છે. તેની ઉપજ કેટલી થાય તેમ છે. ઓછા વરસાદના કારણે અથવા અન્ય કોઈ કારણસર પાકને નુકસાન થાય તો કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે. તે વિગતો આ સેટેલાઈટના માધ્યમથી જાણી શકાશે.
દર વખતે નુકસાની કે ઓછા પાક માટે મેન્યુઅલ સર્વે કરવો પડે છે તે માથાકુટ આ સિસ્ટમ આવ્યા પછી નીકળી જશે. સેટેલાઈટથી જ ઓછા પાકનો સર્વે થઈ જશે. એટલું જ નહીં પાક વીમામાં ખેડૂતોને મળવાપાત્ર રકમ કરતાં ઓછી રકમ મળી હોવાની ફરિયાદો થતી રહે છે તે આ નવી પધ્ધતિના કારણે નિવારી શકાશે.

આ ઉપરાંત ખેડૂતોએ વાવેતર કર્યું હોય તે પાક દેખાડવાના બદલે અન્ય પાક દેખાડીને કે ખરેખર કરેલા વાવેતરના બદલે વધારે વાવેતર દેખાડીને પાક વીમો મેળવવાના પ્રયત્ન કરાય છે તેના પર પણ અંકુશ મેળવી શકાશે. સાથોસાથ ખેડૂતોને પાક વીમામાં અન્યાય થવાની વાત પણ ટાળી શકાશે.

હાલમાં પાકનું વાવેતર અને ઉપજ જાણવા ખેડૂતે લીધેલી બેંક લોન, બિયારણના બિલ સહિતનો આધાર લઈને પાક વીમો નક્કી કરવામાં આવે છે. તેના બદલે હવે સેટેલાઈટથી જ બધું નક્કી કરી શકાશે. વળી ખેડૂતોએ ક્યાં સમયે કેવો પાક વાવવો? તેની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે પણ વિશ્વના દેશો સાથે ગુજરાત સરકાર સંકલન કરવાની વિચારણા કરી રહી છે. કારણ કે જે ખેતપેદાશની વિશ્વમાં માંગ હોય તેનું વાવેતર કરાય તો ગુજરાતના ખેડૂતને ફાયદો થાય તેવી ગુજરાત સરકારે ગણતરી કરી છે. આ ઉપરાંત સરકારી ચોપડે ખેડૂતોના સર્વે નંબર સહિતની સઘળી માહિતી આ સેટેલાઈટ પધ્ધતિમાં ઉપલબ્ધ રહેશે.

વેબદુનિયા પર વાંચો