મતદાન થઈ ગયું હવે EVM અને VVPATનું શું થશે?

Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2019 (09:57 IST)
મંગળવારે ગુજરાતમાં 26 લોકસભા બેઠકોની સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાયું અને ઉમેદવારોનાં ભાવિ EVMમાં સીલ થઈ ગયાં.
બરાબર એક મહિના પછી એટલે કે 23મી મેના દિવસે આ ઈવીએમના સીલ ખૂલશે અને ઉમેદવારના ભાગ્યનો ફેંસલો થશે.
ત્યારે સ્વાભાવિક રીતે મતદારને સવાલ થાય કે વોટિંગ થઈ ગયા બાદ હવે EVMનું શું થશે? અનેક લોકોને ઇવીએમની સુરક્ષાનો પણ સવાલ હોય છે.
મતદાન પૂર્વે કે પછી ઈવીએમ સાથે ચેડાં ન થઈ શકે તે માટે ઇલેક્શન કમિશન દ્વારા તેના સંગ્રહ અને સુરક્ષા માટે 'સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર' નક્કી કરવામાં આવી છે.
 
છેલ્લો મત પડે પછી...
 
મતદાનમથકમાં છેલ્લો મતદાર વોટિંગ કરી લે એટલે પ્રિસાઇડિંગ ઓફિસર 'ક્લૉઝ'નું બટન દબાવી દે છે, એ પછી કોઈ મત મશીનમાં નોંધાતો નથી.
મશીનમાં કુલ કેટલાક મત પડ્યા છે, તેની માહિતી લેખિતમાં ત્યાં હાજર દરેક રાજકીય પક્ષોના પ્રતિનિધિને આપવામાં આવે.
મતગણતરીના સમયે જે-તે મશીનમાં પડેલા વોટને લેખિત માહિતી સાથે સરખાવવામાં આવે છે.
જો બંને આંક વચ્ચે કોઈ તફાવત હોય તો કાઉન્ટિંગ એજન્ટ આ અંગે ચૂંટણી અધિકારીઓનું ધ્યાન દોરી શકે છે.
ઈવીએમને બૉક્સમાં મૂકીને તેને સીલ કરી દેવામાં આવે છે. આ સિવાય ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલી વિશિષ્ટ સિક્યૉરિટી સ્ટ્રિપ તેની ઉપર લગાવવામાં આવે છે.
ચૂંટણી અધિકારી અને રાજકીય પક્ષોના પ્રતિનિધિ તેની ઉપર સહી કરે છે. આ મશીનને વચ્ચે સ્ટ્રૉંગરૂમ જમા કરાવવામાં આવે છે.
 
સ્ટ્રૉંગરૂમની ખાસિયત
અલગ-અલગ મતદાનમથકના ઈવીએમને એક સ્થળે એકઠાં કરીને મતગણતરી કરવાની થાય ત્યાં સુધી તેનો સંગ્રહ કરવામાં આવે છે.
જે રૂમમાં EVMને રાખવામાં આવે છે, તેને 'સ્ટ્રૉંગરૂમ' તરીકે ઓળખવામાં આવે છે, જેની સુરક્ષા CRPF, BSF, ITBP, CISF જેવાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળને હસ્તક હોય છે.
સ્ટ્રૉંગરૂમમાં અવરજવર માટે એક જ દરવાજો રાખવામાં આવે છે. વધારાના દરવાજાને ઈંટથી ચણીને બંધ કરી દેવામાં આવે છે.
સ્ટ્રૉંગરૂમની ઉપર બે તાળાં મારવામાં આવે છે, એક તાળાની ચાવી સ્ટ્રૉંગરૂમના ઈન-ચાર્જ પાસે હોય છે, જ્યારે બીજા તાળાની ચાવી ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ પાસે હોય છે.
દરવાજે મારવામાં આવતા સીલ પર જવાબદાર અધિકારીઓ ઉપરાંત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સહી લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવે છે.
ઇમારતમાં અગ્નિશમન માટે જરૂરી વ્યવસ્થાની ગોઠવણ રાખવામાં આવે છે.
 
સ્ટ્રૉંગરૂમને સતત વીજપુરવઠો મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવે છે.
સ્ટ્રૉંગરૂમના મુલાકાતીઓનું રજિસ્ટર બનાવવામાં આવે છે, જે કેન્દ્રીય સુરક્ષાદળો પાસે રહે છે.
મુલાકાતીઓ ઉપર રાજકીય દળોના પ્રતિનિધિઓ સીધી નજર રાખી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવે છે. જો કોઈ સ્થળે આવી વ્યવસ્થા કરવી શક્ય ન હોય, ત્યાં સીસીટીવીનું પ્રસારણ દેખાડવામાં આવે છે.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઇચ્છે ત્યારે રજિસ્ટરમાં ઍન્ટ્રી કરીને સ્ટ્રૉંગરૂમની મુલાકાત લઈ શકે છે.
ઘટનાક્રમના રેકર્ડિંગ માટે કેન્દ્રીય સુરક્ષાદળોને વીડિયો કૅમેરા આપવામાં આવે છે.
કોઈ પણ નેતા કે અધિકારીની ગાડી સુરક્ષિત વિસ્તારની અંદર પ્રવેશી નથી શકતી.
 
સ્ટ્રૉંગરૂમની સિક્યૉરિટી
સ્ટ્રૉંગરૂમની સુરક્ષાની જવાબદારી એક સનદી અધિકારી અને પોલીસ અધિકારી પર હોય છે.
સ્ટ્રૉંગરૂમની ફરતે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સ્ટ્રૉંગરૂમની સૌથી નજીક કેન્દ્રીય સુરક્ષાબળ હોય છે. દ્વિતીય સ્તરની સુરક્ષા રાજ્ય પોલીસનાં સશસ્ત્રદળોને હસ્તક હોય છે અને સૌથી બહાર સામાન્ય સુરક્ષા હોય છે જેમાં મોટા ભાગે પોલીસ હોય છે.
સ્ટ્રૉંગરૂમની બાજુમાં જ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવે છે, જે ચોવીસ કલાક કાર્યરત હોય છે.
આ દળો રાતદિવસ સતત ઇવીએમની સુરક્ષામાં તહેનાત રહે છે. સ્ટ્રૉંગરૂમ પાસેની હિલચાલ ઉપર ક્લોઝ્ડ સર્કિટ કૅમેરા (CCTV) દ્વારા નજર રાખવામાં આવે છે અને તેનું રૅકર્ડિંગ કરવામાં આવે છે.
સ્ટ્રૉંગરૂમના સીલ પૂર્વનિર્ધારિત સમયે રાજકીયદળોના પ્રતિનિધિઓની હાજરીમાં ખોલવામાં આવે છે અને તેનું પણ વીડિયો રૅકર્ડિંગ કરવામાં આવે છે.
ત્યારબાદ કેન્દ્રીય સુરક્ષાબળોની સુરક્ષા હેઠળ તેની હેરફેર કરવામાં આવે છે. જો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ઇચ્છે તો અલગ વાહનમાં તેમની પાછળ જઈ શકે છે.

સંબંધિત સમાચાર

Next Article