અમદાવાદ મ્યુનિ. હોસ્પિટલોના 64થી વધુ ડોક્ટરોને કોરોના થયો
શુક્રવાર, 11 સપ્ટેમ્બર 2020 (13:25 IST)
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત જુદી જુદી હૉસ્પિટલોમાં ફરજ બજાવતા 64 જેટલા ડોક્ટરો કોરોનામાં સપડાયા હોવાની વિગતો બહાર આવતા આરોગ્ય તંત્રમાં હલચલ મચી જવા પામી છે. આ પૈકીના મોટા ભાગના રેસિડેન્ટ ડોક્ટરો છે. એસવીપી હોસ્પિટલના 4 જેટલા ડોક્ટરો એવા છે, જેમને અગાઉ કોરોના થઈ ચૂક્યો હતો અને ફરીથી તેઓ ભોગ બન્યા છે. આ અંગેની વિગતો એવી છે કે, બેથી ત્રણ રેસિ. ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં સૌથી વધુ એસવીપી હોસ્પિટલના 24 ડોક્ટરો સંક્રમિત જણાયા હતા. જેમાં એક મેડિકલ કોલેજના પ્રોફેસર છે અને બાકીના તમામ રેસિ. ડોક્ટરો છે. ઉપરાંત એલ.જી. હોસ્પિટલના 19 અને શારદાબેન હોસ્પિટલના 16 ડોક્ટરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકીના મોટા ભાગના ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર સાથે જોડાયેલા છે. એપ્રિલ- મેમાં કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં બહાર આવતા હતા તે સમયે ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરો સહિત 197ને ચેપ લાગ્યો હતો, તે ગાળામાં ત્રણ જેટલાં ડોક્ટરોના કરૂણ મૃત્યુ પણ થયા હતાદર્દીઓની સારવાર કરતી વખતે ચેપ લાગતો હોય છે. અગાઉ એલ.જી. હોસ્પિટલમાં એક પગના ઓપરેશનના દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા 25 જેટલા ડોક્ટરો અનેે પેરા મેડિકલ સ્ટાફના સભ્યોને કોરોના થતા આખી હોસ્પિટલ જ પાંચ દિવસ બંધ કરી દેવાની ફરજ પડી હતી. એ જ ગાળામાં એસ.વી.પી.ના પણ દોઢ ડઝન જેટલા ડોક્ટરો સંક્રમિત થયા હતા. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે જાનના જોખમે હોસ્પિટલમાં કામ કરી ડૉક્ટરો આ મહામારી પર કાબૂ મેળવવા અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. આ કપરાં સંજોગોમાં કોરોના વોરિયર્સ ડૉક્ટરોની કામગીરીમાં પણ રાજનેતાઓ અવરોધ બની રહ્યાં છે, કારણ કે વી.વી.આઇ.પી. ટ્રીટમેન્ટ મેળવવા રાજકીય ભલામણો પણ આવી રહી છે. એક તરફ ડૉક્ટરો કોરોનાના સંક્રમણને રોકવા મહેનત કરી રહ્યા છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કાર્યકરો રેલીઓ અને બેઠકો કરી રાજકીય તમાશાઓ યોજી સંક્રમણને વેગ આપી રહ્યાં છે. જેના કારણે ડૉક્ટરો પણ લાચાર બન્યા છે.