સાકરિયો સોમવાર - જાણો વ્રત કથા અને વ્રત વિધિ

સોમવાર, 24 જુલાઈ 2023 (10:34 IST)
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ સાકરિયા સોમવારની વ્રત કથા.. સાકરિયો સોમવાર  શ્રાવણ માસના પ્રથમ સોમવારથી  કરવામાં આવે છે.  .આ વ્રત ઘણું કઠણ છે. સોમવારે સવારે વેહલા ઊઠી નાહીધોઈ શંકર ભાગવાના નામનો દીવો કરી 100 ગ્રામ સાકાર લઈ મંદિરે જવું .પછી સાકરના ચાર સરખા ભાગ કરી,એક ભાગ મહાદેવજીને ધરાવવો,સાકરનો બીજો ભાગ રમતાં બાળકોને આપવો ,ત્રીજો ભાગ પોતે પ્રસાદ તરીકે લેવો અને ચોથો ભાગ નદી, કુવા કે તળાવમાં પધરાવી દેવો આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો .પછી સાકરીયા સોમવારની વાર્તા સાંભળવી .આવો સાંભળીએ વાર્તા

મંછાવટી નગરીમાં ગિરજાશંકર નામનો એક કોઢિયો બ્રાહ્મણ રહેતો હતો. કોઢના કારણે એને કન્યા મળતી ન હતી. બ્રાહ્મણે ઘણા દવા-દારૂ કર્યા પણ કોઢ ન મટ્યો છેવટે કોઈ જ્ઞાનીના કહેવાથી સોળ સોમવારનું વ્રત કર્યું. એ વ્રતના પ્રભાવે બ્રાહ્મણની કાયા કંચનવર્ણી થઈ. ગામે ગામથી માગા આવવા લાગ્યા. બ્રાહ્મણે ગુણવંતી નામની એક રૂપાળી અને ગુણવાન કન્યા સાથે લગ્ન કર્યા. પતિ-પત્ની ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સંસાર સુખ ભોગવવા લાગ્યા.

એવામાં ચોમાસુ આવ્યું. બારે મેઘ ખાંગા થયા. બ્રાહ્મણના ઘરની દીવાલ તૂટી પડી. પતિ-પત્ની બન્ને જીવ બચાવવા ભાગ્યા. આઠ દિવસની હેલી મંડાણી વરસાદ અટકવાનું નામ લેતો નથી. લોકોના જીવ પડીકે બંધાયા, ઘર-ખેતરો ડુબી ગયા વરસાદ અટક્યા પછી બ્રાહ્મણ-બ્રાહ્મણીએ કાટમાળ ખસેડી ત્યાં એક ઝુંપડું બાંધ્યું. ગામ આખામાં ભૂખમરો ચાલતો હતો. ત્યાં ( બ્રાહ્મણને ભિક્ષા કોણ દે ?)  બ્રાહ્મણે પરદેશ જવાની વાત વિચારી ત્યારે પતિવ્રતા બ્રાહ્મણી બોલી કે –
‘સુખે સિધાવો નાથ ! મારી જરાય ચિંતા ન કરશો. હું તો પારકા કામ કરીને પેટનો ખાડો પુરીશ.’

બ્રાહ્મણ તો ખભે ખડિયો નાખીને ચાલતો થયો. ગામે ગામ ફર્યો પણ ક્યાંય કામ મળતું નથી. રખડતાં રઝળતો નાંદી ઋષિના આશ્રમે આવ્યો. ઋષિને પ્રણામ કરી ડરતા ડરતા પોતાના દુઃખની વાત જણાવી. ઋષિને દયા આવી બ્રાહ્મણને આશરો દીધો. બ્રાહ્મણે ત્યાં બે દિવસ આરામ કર્યો પછી વિદાય માગી ત્યારે દયાળુ ઋષિએ એને એક જ જડીબુટ્ટી આપતાં કહ્યું કે હે બ્રાહ્મણ ! આ સંજીવની બુટ્ટી છે. આ બુટ્ટી ઘસીને મરેલા માણસને પીવાથી એ સજીવન થાય છે. આનાથી એક માણસ સજીવન થશે તેથી યોગ્ય પાત્ર દેખાય ત્યાં ઉપયોગ કરજે.

બ્રાહ્મણ જડીબુટ્ટી લઈને ચાલતો થયો. રસ્તામાં એક નગર આવ્યું. આખા નગરમાં શોક છવાયેલો જોઈ એને વિસ્મય થયું. આગળ જતા કોઈનું હૈયાફાટ રૂદન સંભળાયું. બ્રાહ્મમને લાગ્યું કે રાજમહેલમાં કોઈ કરુણ આક્રંદ કરી રહ્યું છે. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજાનો એકનો એક સુંદર મૃત્યુ પામ્યો છે તેથી આખા નગરમાં શોક વ્યાપી ગયો છે. બ્રાહ્મણને ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી યાદ આવી. એ તો દરવાનની રજા લઈ મહેલમાં ગયો. રાણી હૈયાફાટ રુદન કરે છે અને રાજા લમણે હાથ લઈને બેઠો છે. બ્રાહ્મણ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન ! મને રજા આપો તો હું તમારા કુંવરને સજીવન કરું !

રાજાને લાગ્યું કે નક્કી આ માણસ ગાંડો થઈ ગયો છે મડદા તે કાંઈ બેઠા થતા હશે ? પણ ડૂબતાને તણખલાનો સહારો. રાજાએ હા પાડી. બ્રાહ્મણ કુંવરના શબ પાસે ગયો. બધા રડવાનું ભૂલી તમાશો જોવા લાગ્યા. બ્રાહ્મણે સંજીવની બુટ્ટી ખરલ પર ઘસી એક ટીપું રેડતાં જ કુંવર ના શબમાં ગરમી આવી. બીજા ટીંપે કુંવરની આંખો ખુલી અને ત્રીજા ટીપે તો કુંવર આળસ મરડીને બેઠો થઈ ગયો. રાજા-રાણી તો લાકડીની જેમ બ્રાહ્મણના પગમાં પડી ગયા.

બ્રાહ્મણ તો ઘડીકમાં વૈભવશાળી બની ગયો. રાજાએ એને રાજ પુરોહિતનું પદ આપી રહેવામહેલ આપ્યો. સેવા માટે દાસ આપ્યા, ભર્યા દરબારમાં ઈનામ અકરામથી નવાજી ધનથી તોળ્યો.

આ બાજુ મંછાવટી નગરીમાં ગુણવંતી પેટે પાટા બાંધીને દુઃખના દહાડા વિતાવે છે. પતિની રાહ જોતી જોતી સુકાઈને કાંટો થઈ ગઈ છે. જતા આવતા યાત્રીઓને પતિના સમાચાર પૂછે છે. રાત આખી રડવામાં વીતે છે. પારકા પાણી ભરતા ભરતા માથે ટાલ પડી ગઈ છે. દળણા દળી દળીને હાથમાં છાલા પડી ગયા છે.

એવામાં પવિત્ર ( શ્રાવણ ) મારા આવતા સૌ સ્ત્રીઓ મહાદેવનું વ્રત કરવા લાગી ગુણવંતીએ પણ વ્રત લીધું. ઘરમાં અન્નનો દાણોય ન હતો. તેથી નકોરડો ઉપવાસ થયો સાંજે પડોશીના ઘેર પુત્ર જન્મ થતા સાકારના પેડા-વહેંચ્યા. એક ગાંગડો ગુણવંતીને પણ મળ્યો. ગુણવંતીએ સાકરનું પાણી પીધુ અને શિવનું સ્મરણ કરતી નિંદ્રાધીન થઈ સપનામાં શિવજી આવીને કહેલા લાગ્યા.

‘દીકરીને તે જાણે અજાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું. હું તારા પર પ્રસન્ન થયો છું.’ પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી. ભાવે કરીને ઉજવણું કરજે. તારી મનોકામના પૂર્ણ થશે.

બીજા દિવસ ગુણવંતીએ વ્રતની વિધિ વિગતવાર જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ રાખ્યું. આ રીતે પંદર સોમવાર ગયા. સોળમાં સોમવારે વ્રત ઉજવવાનું હતું, પણ ઘરમાં ખાવા ન હતું ત્યાં ઉજવણું કઈ રીતે કરવું ? ગુણવંતી તો લમણે હાથ દઈને રડવા લાગી.

એ જ ગિરજાશંકર સિત્તેર પેઢી ખાય તો ય ન ખુટે એટલું ધન તોય ન ખુટે એટલું ધન લઈને આવ્યો. દુઃખના આંસુ હર્ષના બની ગયા. પછી બન્નેએ સાથે મળીને વ્રત ઉજવ્યું.

સવા ચાર શેર ઘઉંનો લોટ લીધો. સવા શેર ઘી અને સવા શેર ગોળના લાડુ બનાવ્યા. એના ચાર ભાગ કર્યા. એક મહાદેવને ધરાવ્યો. બીજો રમતા બાળકને અને ત્રીજો ગોવાળને આપ્યો. ચોથા ભાગનો પ્રસાદ વહેંચ્યો. પછી બ્રાહ્મણે ઝુંપડીની જગ્યાએ વિશાળ હવેલી બાંધી આંગણામાં મોટું શિવાલય બનાવ્યું. પતિ-પત્ની બન્ને શિવને ભજવા લાગ્યા. શિવની કૃપાથી બ્રાહ્મણીની કુખે દેવતાઈ તેજ વાળો પુત્ર જન્મ્યો. આમ સૌ સારા વાના થયા.

હે શંભુ ! સાકરિયા સોમવારનું વ્રત જેવું બ્રાહ્મણને ફળ્યું જેવું બ્રાહ્મણી ફળ્યું એવું સૌને ફળજો.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર