છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદીઓએ ટ્રાફિક ભંગના ઈ મેમોના 1.33 કરોડનો દંડ ભર્યો નથી, કુલ 176 કરોડમાંથી માત્ર 42 કરોડનો દંડ ભરાયો

શુક્રવાર, 5 માર્ચ 2021 (11:13 IST)
પાંચ વર્ષમાં સ્ટોપલાઈન ભંગમાં 40 લાખ ઈ મેમોમાં 126 કરોડનો દંડ ફટકારાયો પણ જમા માત્ર 28 કરોડ થયા
 
અમદાવાદમાં લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર દ્વારા વિવિધ ટ્રાફિક સિગ્નલો પર સીસીટીવી કેમેરા લગાડીને નિયમોનો ભંગ કરનારા વિરુદ્ધ દંડનિય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ દ્વારા શહેરીજનોને 60 લાખ ઈ મેમો મોકલીને 176 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાં અમદાવાદીઓએ હજી 133 કરોડ રૂપિયા ભરવાના બાકી છે.  શહેરમાં સિગ્નલ પર સ્ટોપલાઈન ભંગમાં 126 કરોડ પૈકી માત્ર 28 કરોડનો જ દંડ ભરાયો છે. જ્યારે હેલ્મેટ નહીં પહેરવા બદલ અત્યાર સુધીમાં 30 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 
છેલ્લા પાંચ વર્ષમાં ફટકારવામાં આવેલો દંડ
અમદાવાદમાં વર્ષ 2015થી ફેબ્રુઆરી 2021 સુધીના પાંચ વર્ષમાં વિવિધ ટ્રાફિક સિગ્નલો પર સ્ટોપ લાઈનના ભંગ બદલ 40 લાખ ઈ મેમો ફટકારવામાં આવ્યાં છે. જેમાં 126 કરોડનો દંડ, હેલ્મેટ નહીં પહેરવા બદલ 15 લાખ ઈ મેમોમાં 30 કરોડ, નો પાર્કિગના 2.94 લાખ મેમોમાં 4 કરોડ રૂપિયા, રોંગ સાઈડ વાહન ચલાવવાના 31 હજાર ઈ મેમોમાં 2.94 કરોડ, ભયજનક વાહન હંકારવા બદલ 14 હજાર મેમોમાં 1.69 કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો હતો.
 
શહેરમા ચાલુ વાહને મોબાઈલના ઉપયોગ બદલ 13 હજાર મેમોમાં 1.38 કરોડનો દંડ, BRTS કોરિડોરમાં વાહન ચલાવવા બદલ, 33 હજાર મેમોમાં 4 કરોડ, ત્રણ સવારી વાહન હંકારવા બદલ 14 હજાર ઈ મેમોમાં 1.45 કરોડ, સીટ બેલ્ટ વિના કાર ચલાવવા બદલ 64 હજાર મેમોમાં 92 લાખ, ફેન્સી નંબર પ્લેટના 12 હજાર મેમોમાં 21 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.  તંત્રએ શહેરીજનોને ફટકારેલા ઈમેમો દ્વારા અત્યાર સુધીમાં સ્ટોપલાઈન ભંગમાં 28 કરોડ, હેલ્મેટ નહીં પહેરવાનો દંડ 8.96 કરોડ, નો પાર્કિંગ ભંગમાં 1.42 કરોડ, BRTS કોરિડોરમાં વાહન હંકારવાના દંડમાં અત્યાર સુધીમાં 85 લાખ રૂપિયા જમા થયાં છે.  
172 કરોડમાંથી માત્ર 42 કરોડ જ જમા થયાં
પાંચ વર્ષમાં પોલીસે નિયમોના ભંગમાં અમદાવાદીઓને કુલ 172 કરોડનો દંડ ફટકાર્યો છે. જેમાંથી માત્ર 42 કરોડ જ જમા થયાં છે. જ્યારે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ શહેરીજનોએ હજી 133 કરોડનો દંડ ભરવાનો બાકી રહ્યો છે. હાલમાં અમદાવાદીઓના માથે પોલીસે આપેલા ઈ મેમોનું 133 કરોડનું દેવું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર