સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત્, બચકા ભરી ત્રણ બાળકોને કર્યા લોહીલુહાણ

શુક્રવાર, 22 માર્ચ 2024 (17:39 IST)
- સુરતના લિંબાયત, ડીંડોલી અને સચિન વિસ્તારમાં રખડતા શ્વાને ત્રણ બાળકો પર કર્યો હુમલો 
-   હુમલાની ઘટનાને લઈ લોકોમાં મનપાની કામગીરી સામે રોષ 

સુરતના લિંબાયત, ડીંડોલી અને સચિન વિસ્તારમાં રખડતા શ્વાને ત્રણ બાળકો પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. ત્રણેય બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવા પડ્યા છે. શ્વાનોના આતંક અને હુમલાની ઘટનાને લઈ લોકોમાં મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો છે.

સુરતમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે. રોજબરોજ રખડતા શ્વાનો બાળકો અને લોકો પર હુમલા કરી રહ્યા છે ત્યારે આજે ત્રણ બાળકો પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો છે. સુરતના લિંબાયત મહાપ્રભુ નગરમાં 5 વર્ષીય બાળક પર રખડતા શ્વાને હુમલો કર્યો હતો. 5 વર્ષીય ઈર્શાદ નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક જ શ્વાને હુમલો કરી બાળકના ગાલ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

બીજા બનાવવામાં ડીંડોલી વિસ્તારમાં 11 વર્ષીય બાળક પર પણ રખડતા શ્વાને હુમલો કર્યો છે. 11 વર્ષીય વ્રજ ઘર પાસે રમતો હતો ત્યારે અચાનક બાળક પર શ્વાને હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકના પગ પર બચકાઓ ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેથી, માતા-પિતા દીકરાને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા.

ત્રીજા બનાવમાં 17 મહિનાના બાળકને શ્વાને બચકા ભર્યા હતા. રામવૈદ મિશ્રા નામનું બાળક ઘર બહાર ઉભું હતું ત્યારે અચાનક દોડી આવેલા શ્વાને બાળકના હાથ પર બચકા ભરી લીધા હતા. માતાએ દોડી આવી દીકરાને બચાવી પતિને જાણ કરી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

હાલ ત્રણેય બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકો સવાલ કરી છે કે સુરત મહાનગરપાલિકા શ્વાનોના રસીકરણ અને ખસીકરણની વાતો ખૂબ મોટે મોટેથી કરી રહી છે પરંતુ પરિણામ દેખાતું નથી. રોજબરોજ શ્વાનોના હુમલાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર