ગુજરાત સરકારે વધી રહેલા હાર્ટ એટેકના કેસને લઈ નિષ્ણાંત ડોક્ટરોની કમિટી બનાવી

બુધવાર, 25 ઑક્ટોબર 2023 (23:54 IST)
heart attack
ગુજરાતમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓને લઈને નાણાં મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા કનુભાઈ દેસાઈએ પત્રકારોના સવાલોના જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાર્ટ એટેકના વધી રહેલા કેસથી સરકાર ચિંતિત છે. આ માટે સરકારે એક કમિટીની રચના કરી છે.

હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, કોરોનાની વેક્સિનને લીધે યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે તે વાત બિલકુલ ખોટી છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર દેશમાં આ પ્રકારના બનાવો વધ્યાં છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબિબોએ પણ આ મુદ્દે રિસર્ચની માંગ કરી છે. હવે રાજ્ય સરકાર આ મામલે એક્શનમાં આવી છે.

સરકારે તાત્કાલિક ધોરણે નિષ્ણાંત ડોક્ટરો સાથે ચર્ચા કરીને હાર્ટ એટેક આવવાનું કારણ શોધવા એક કમિટીની રચના કરી છે. જેમાં યુએન મહેતા તથા ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકનું કારણ શોધવા નિષ્ણાંત ડોક્ટરોની કમિટી બનાવી છે. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત આ કમિટીમાં ડો. જયેશ શાહ, ડો. ગજેન્દ્ર દુબે અને ડો. પૂજાબેનનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ કમિટી બનાવવા રાજ્ય સરકારે આજે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય કર્યો હતો.હવે આ કમિટીમાં સમાવેશ કરવામાં આવેલા ડોક્ટરો દ્વારા યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું અને તેનાથી મોત કેમ થઈ રહ્યાં છે તે અંગેનું એનાલિસિસ કરવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર