શનિ-રવિમાં પાવાગઢ જાઓ તો ધ્યાન આપો, પંચમહાલ કલેક્ટરે આ જાહેરનામું બહાર પાડ્યું છે

શનિવાર, 8 જુલાઈ 2023 (21:58 IST)
શનિ અને રવિવારે યાત્રાધામમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ થતી હોવાથી ટ્રાફિક જામ થાય છે
કલેક્ટરે આજથી જાહેરનામું પ્રસિદ્ધ કરીને 20 જેટલી એસટી નિગમની બસોની સુવિધા કરી
 
ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢને લઈ પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ ડુંગર ઉપર શનિ અને રવિવારે ખાનગી વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ દિવસોમાં શ્રધ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોવાથી ટ્રાફિક જામ થાય છે. જેને લઈને ખાનગી વાહનોને ડુંગર પર જવાની મનાઈ ફરમાવતો નિર્ણય કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે. 
 
20 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ
તે ઉપરાંત મુસાફરોની સુવિધા માટે કલેક્ટર દ્વારા વધુ એક સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. પાવાગઢ ડુંગર પર જવા માટે એસટી નિગમની 20 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ છે. માચી સુધીની અવર જવર માટે આ બસોની સુવિધા મુસાફરોને આપવામાં આવી છે. આજથી બે માસ સુધી શનિવારે અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવાના પ્રતિબંધના જાહેરનામાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. 
 
જીલ્લા કલેકટરે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો
ખાનગી વાહનો અને પેસેન્જરમાં હેરાફેરી કરતી ખાનગી જીપને લઈ ટ્રાફિક જામ થવાની સાથે એસટી બસ સેવા બંધ થઈ ગઈ હતી. એસટી વિભાગ દ્વારા શનિવાર અને રવિવારના દિવસે ભારે ટ્રાફિકને કારણે બે દિવસ એસટી સેવા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. યાત્રાધામ પાવાગઢ ખાતે શનિવાર અને રવિવારે ખોરવાતી ટ્રાફિક વ્યવસ્થાને લઈ ઉઠેલી રજૂઆતો બાદ જીલ્લા કલેકટરે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર