રાજયસભાની ચુંટણીમાં “ભાજપ-કોંગ્રેસ “વચ્ચેની લડાઈ ન હતી ,પરંતુ તે “કોંગ્રેસ-કોંગ્રેસ“ વચ્ચેની લડાઈ છે- ભરત પંડ્યા

મંગળવાર, 17 માર્ચ 2020 (10:40 IST)
ભાજપનાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય જે.વી.કાકડીયાના ધર્મપત્નીએ “ભરતસિંહ સોલંકીનાં કહેવાથી કાકડીયા ભાજપમાં જોડાયાં છે.” તેમ કહીને ચોકાવનારા સત્યને ઉજાગર કર્યુ છે. કોંગ્રેસે તેનો જવાબ આપવો જોઈએ. વિપક્ષનેતા પરેશ ધાનાણીને પ્રતિક્રિયા આપતાં ભરત પંડયાએ કહ્યું હતું કે, ‘રાજયસભાની રમખાણ’ નથી પરંતુ હક્કીતમાં “કોંગ્રેસમાં ‘રમખાણ, કમઠાણ” છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના ધારાસભ્યને ભાજપમાં જવાનું કહ્યું છે ત્યારે ભાજપ ઉપર હવે કોંગ્રેસે જુઠા આક્ષેપો ન કરવા જોઈએ.

કોંગ્રેસમાં આંતરીક તીવ્રજૂથબંધી છે. આ રાજયસભાની ચુંટણીમાં “ભાજપ-કોંગ્રેસ “વચ્ચેની લડાઈ ન હતી પરંતુ તે “કોંગ્રેસ-કોંગ્રેસ“ વચ્ચેની લડાઈ છે તેવું અમે કહ્યું હતું. તે સાબિત થયું છે. કોંગ્રેસે ગુજરાતમાં પાટીદાર સહિત દરેક સમાજને ઉશ્કેરીને વેરઝેર ફેલાવવાનો પ્રયાસ કર્યો. તેની સામે ભાજપે દરેક સમાજને સાથે લઈને “સૌનો સાથ-સૌનો વિકાસ” મુજબ  નિર્ણયો થાય છે. જયારે કોંગ્રેસમાં ગાંધી પરીવાર અને ગુજરાતમાં બે-ત્રણ પરીવારની આસપાસ સિનીયર કાર્યકર્તાઓના ભોગે નિર્ણયો થાય છે. એટલે કોંગ્રેસમાં “વાડ ચીભડા ગળે છે “ત્યારે કોંગ્રેસને “હાથના કર્યાં હૈયે વાગ્યા “ છે.

કોંગ્રેસની નીતિ, નિયત,નેતાગીરી નકારાત્મક અને નિષ્ફળ છે. કોંગ્રેસના તમામ નિર્ણયો સેવાકીય, સામાજીક, અને રાજકીય રીતે Unbalance , Unfair અને Unfit હોય છે. કોંગ્રેસના નેતાઓની અંદરો અંદરોની જૂથબંધીને કારણે ધારાસભ્ય નારાજ થઈને કોઈ પગલાં ભરે તેના દોષનો ટોપલો ભાજપ ઉપર ઢોળવાને બદલે કોંગ્રેસ પોતાની પાર્ટીનું આત્મચિંતન કરવું જોઈએ.

કોંગ્રેસના અમિત ચાવડાનાં નિવેદન સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા ભરત પંડયાએ જણાવ્યું હતું કોંગ્રેસ કઈ લોકશાહીની વાત કરે છે ? કટોકટીમાં હજારો લોકોને જેલમાં પૂરીને અત્યાચારો કર્યાં, લોકતંત્રને, મિડીયાતંત્રને બાનમાં લીધું. તે કોંગ્રેસને કટોકટીવાળી  “લાલ શાહી “કેમ યાદ નથી આવતી ? રામમંદિરના મુદ્દે ભાજપની ચાર સરકારો સહિત અનેક સરકારોને 50 વાર 356નો દૂરઉપયોગ કરીને લોકશાહીમાં લોકમતથી ચુંટાયેલ રાજય સરકારોને બરખાસ્ત કરી તે “લીલી શાહી “કેમ યાદ નથી આવતી ? કોંગ્રેસના શાસનમાં 10 લાખ કરોડ રૂપિયાની ભ્રષ્ટાચારની “કાળીશાહી “ હજૂ દેશની જનતાને યાદ છે. 86વાર બંધારણમાં સુધારા કરનાર કોંગ્રેસ કયાં મોઢે બંધારણની વાત કરે છે ? કોંગ્રેસ પોતાની નિષ્ફળતા અને નિર્બળતા છૂપાવવા માટે ભાજપ સામે જૂઠ્ઠા આક્ષેપો કરવાનું બંધ કરે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર