રાજકોટમાં ગ્રેડ પેની માંગ સાથે જિલ્લા આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 7મો દિવસ, 800 કર્મીઓ જોડાયા

સોમવાર, 18 જાન્યુઆરી 2021 (13:33 IST)
વર્ષો જૂની ગ્રેડ પેની માંગ સાથે રાજ્યભરના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા 7 દિવસથી હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળમાં રાજકોટના 800 સહિત રાજ્યભરના 33 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા છે. આ તમામ કર્મચારીઓ વેક્સિનની કામગીરીથી પણ અળગા રહ્યાં છે. તેઓની માંગ છે કે સરકારે આપેલી બાહેંધરી મુજબ ગ્રેડ પે ચૂકવવામાં આવે. આરોગ્ય કર્મચારીઓ આજે તાલુકા હેલ્થ ઓફિસ ખાતે એકઠા થયા હતા. જ્યાં હડતાળને લઈને આગામી રણનીતિ તૈયાર કરશે. કિરણ ઓઝાએ જણાવ્યું હતું કે, અમારી હડતાળનો આજે સાતમો દિવસ છે. સરકાર પાસે અમે અમારો હક્ક માગીએ છીએ. અમારી વર્ષો જૂની માંગ છે કે ગ્રેડ પે આપવામાં આવે. અન્ય રાજ્યોની જેમ અમને ગ્રેડ પે ન આપે પણ જે અમારો 2800 રૂપિયા ગ્રેડ પે છે તે આપવો જોઈએ. સરકારે અમને લેખિતમાં પણ આપેલું છે કે અમે 2800 રૂપિયા ગ્રેડ પે આપીશું. જે સરકારે અમને બાંહેધરી આપી છે. તે વચન તમે પાળો એવી જ અમારી માંગ છે. રાજકોટ જિલ્લામાં અમે 800 કર્મચારીઓ જોડાયા છીએ. બધા જિલ્લાઓમાંથી 33 હજાર જેટલા કર્મચારીઓ જોડાયા છે. હડતાળ પર ઉતરેલા આરોગ્ય વિભાગના કર્મચારીઓ કોવિડ વેક્સિનની કામગીરી કરવાથી દૂર રહ્યાં છે. હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓની એક જ માંગ છે કે સરકારે નક્કી કરેલા ગ્રેડ પે મુજબ ચૂકવણી કરવામાં આવે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર