રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર, 24 કલાકમાં 82ના મોત, બપોર સુધીમાં 318 કેસ નોંધાયા

ગુરુવાર, 15 એપ્રિલ 2021 (17:02 IST)
રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. 24 કલાકમાં 82 દર્દીના મોત નીપજ્યા છે. દર એક કલાકે 3થી વધુ દર્દાના મોત નીપજી રહ્યાં છે. આથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. સિવિલ હોસ્પિટલમાં લાશોના ઢગલા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. જોકે આ અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. આજે બપોર સુધીમાં નવા 318 કેસ નોંધાયા છે.હાલ રાજકોટ માનપની કમિશનર બ્રાન્ચમાં સ્ટેનોગ્રાફર તરીકે ફરજ બજાવતા નિલેશ દવેનું 6 દિવસની ટૂંકી સારવાર બાદ આજે બપોરે કોરોનાથી નિધન થયું છે.

રાજકોટમાં કોરોના મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં તમામ હોસ્પિટલો કોરોના દર્દીથી ઉભરાઇ છે. ગઇકાલે 55 દર્દીના મોત થતા આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. શહેરની કોવિડ હોસ્પિટલોમાં કોરોના દર્દીઓના ટપોટપ મોત નીપજી રહ્યાં છે. રાજકોટમાં ગઇકાલે 551 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 24537 પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં હાલ 3575 દર્દી સારવાર હેઠળ છે. તેમજ ગઇકાલે 249 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની કોવિડ હોસ્પિટલ તૈયાર કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ હોસ્પિટલ બનાવવા માટે કન્વેન્શન સેન્ટરની જગ્યા પણ ફાળવી દીધી છે અને આ જગ્યાએ બુધવારે યુનિવર્સિટી અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સ્થળ તપાસ પણ કરી લીધી છે. નજીકના દિવસોમાં અહીં પ્રથમ તબક્કામાં 200 અને બીજા તબક્કામાં 200 એમ 400 બેડની ઓક્સિજનની સુવિધા સાથેની હોસ્પિટલ બનાવાશે. સંભવત એક-બે દિવસમાં આ હોસ્પિટલનું કામ પણ શરૂ કરી દેવાશે. રાજકોટમાં કોરોના કેસ દરરોજ વધી રહ્યાં છે અને પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. શહેરમાં લોકોને ખાનગી હોસ્પિટલમાં બેડ નથી મળતા, કોરોનાના દર્દીને ઇન્જેક્શન નથી મળી રહ્યાં, સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓનો ભરાવો થતા સમરસ હોસ્ટેલમાં વધારાના બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર