રાજકોટમાં પીએમ મોદીના પોસ્ટરમાં ગારો લગાડી મોં કાળું કરાયું

સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (14:15 IST)
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને લઇને આજે ભારતબંધના એલાનને લઇને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કોંગ્રેસની આગેવાનીમાં સીએમ રૂપાણીના મતવિસ્તારમાં મહિલા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરમાં મોદીના ચહેરાને ગારો લગાડી મોં કાળુ કરવામાં આવ્યું હતું. તેમજ પોસ્ટરમાં મોદીના ફોટા પર મહિલાઓએ ચપ્પલ માર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની સલામતિને લઇને રાજકોટની 400 શાળાએ સ્વયંભૂ બંધ પાળ્યો છે તો જામનગરમાં શાળા-કોલેજોએ સજ્જડ બંધ પાળ્યો છે. તેમજ રાજકોટની શાળા-કોલેજોને બંધ કરાવવા એનએસયુઆઇના કાર્યકરો પહોંચ્યા હતા. પોલીસે તેની પણ અટકાયત કરી છે.  રાજકોટમાં સવારથી જ કોંગ્રેસના કાર્યકરો દ્વારા શાળા, કોલેજો, દુકાનો, મોલ બંધ કરાવવા નીકળ્યા હતા.
જેમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયા સહિત 30થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે. રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ બંધમાં જોડાયો ન હોય તેમ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. રાજકોટના મોટાભાગના રાજમાર્ગો પર સવારથી જ લોકોની ચહલ પહલ જોવા મળી રહી છે. બાલાજી હોલ પાસે ભાજપના કાર્યકરની હોટેલ પર 2 પોલીસ જવાન સુરક્ષાને લઇને રાખવામાં આવ્યા છે. તેમજ શહેરના અમુક પેટ્રોલ પંપ પણ બંધ કરાવવા કોંગ્રેસના કાર્યકરો નીકળ્યા હતા. ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે ભાવનગર શહેરના વેપારીઓ, પેટ્રોલપંપ એસોસિએશન તેમજ શહેરની શાળા-કોલેજોએ પોતાનું કાર્ય સ્વયંભૂ બંધ રાખી પેટ્રોલ-ડીઝલના ભાવ વિરોધ સામે રોષ વ્યક્ત કરી શહેર કોંગ્રેસના બંધના એલાનને સમર્થન કર્યું હતું. સવારે 10 કલાકે ઘોઘા ગેટ, રૂપમ ચોક ખાતે કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો દ્વારા સરકાર વિરોધ સૂત્રોચાર કરી દેખાવ કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા ભાજપ સરકારના કેહવાથી બળજબરીથી કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર