અમદાવાદમાં સ્ત્રીબિજનો ધમધમતો વેપલો, ગરીબ-મજબૂર યુવતીઓએ સ્ત્રીબિજ આપી નાણાં કમાય છે

શુક્રવાર, 2 ફેબ્રુઆરી 2018 (16:04 IST)
અમદાવાદ શહેરમાં સ્ત્રીબિજનો વેપાર ધમધમી રહ્યો છે. એક અંદાજ મુજબ,અમદાવાદમાં જ ફર્ટિલીટી સેન્ટરો શેરી માટીની ખોટ પુરવા આવતાં નિસંતાન દંપતિઓને સ્ત્રીબિજ વેચીને વર્ષેદહાડે એક કરોડની કમાણી કરે છે. સૂત્રોના મતે, આજથી દસેક વર્ષ પહેલાં અમદાવાદમાં ફર્ટિલિટી બિઝનેસમાં જાણે શૂન્યાવકાશ હતો પણ આજે માર્કેટિંગ કરી ફર્ટિલિટી સેન્ટરો બિલાડીની ટોપની જેમ શરૃ થઇ રહ્યાં છે. અમદાવાદ શહેરમાં જ આજે ૩૦થી વધુ ફર્ટિલિટી સેન્ટરો ધમધમી રહ્યા છે. આ સેન્ટરો પર વિર્ય-સ્ત્રીબિજનું દાન આપી યુવક-યુવતીઓ નાણાનું વળતર મેળવે છે.

ફર્ટિલિટી સેન્ટરો સુધી યુવક-યુવતીઓને લઇને જવા એજન્ટો કાર્યરત છે. આ એજન્ટોનું આખાય શહેરમાં નેટવર્ક ફેલાયેલુ છે. શહેરના ઔદ્યોગિક વિસ્તાર નારોલ, નરોડા, વટવા, દાણિલિમડા, સરખેજ, જુહાપુરા સહિતના વિસ્તારોમાં ગરીબ,મજબૂર મહિલાઓને એજન્ટો નાણાંની લાલચ આપીને ફર્ટિલિટી સેન્ટર સુધી પહોંચાડે છે. સ્ત્રીબિજ આપનારી યુવતીને રૃા.૧૦ હજારથી માંડીને રૃા.૨૫ હજાર સુધી વળતર ચૂકવવામાં આવે છે. દેવુ થયુ હોય,સંતાનોના લગ્ન પ્રસંગ હોય,મકાન ખરીદવુ હોય,બિમારીનો ઇલાજ કરવાનો હોય કે,કોઇ આકસ્મિક પ્રસંગ આવે ત્યારે નાણાંની જરૃરિયાત ઉભી થાય તે વખતે ગરીબ-મજબૂર યુવતીઓ સ્ત્રીબિજ આપીને પોતાની જરુરિયાત પૂર્ણ કરી લે છે. ફર્ટિલિટી સેન્ટરો પર સ્પર્મ-સ્ત્રીબિજ આપનારા દાતાની યાદી ઘણી લાંબી છે. છેલ્લા ચારેક વર્ષમાં દાતાઓની સંખ્યામાં વધારો થયો છે. સ્વસ્થ,ર્નિવ્યસની યુવતી સ્ત્રીબિજનું દાન કરી શકે છે.ગર્ભાવસ્થા કે માસિક વખતે સ્ત્રીબિજ આપી શકાય નહી.ત્રણ મહિનામાં યુવતી છ વખત સ્ત્રીબિજ આપી શકે છે. સંતાનવિહોણાં દંપતિ માટે સ્ત્રીદાતા આર્શિવાદરૃપ હોય છે. ફર્ટિલિટી સેન્ટરમાં ડૉક્ટરો પણ નિસંતાન દંપતિઓ પાસે શેર માટીની ખોટ પુરવાના બહાને કમાણી કરવાની કેટલીય તરકીબો અજમાવી રહ્યા છ જેમકે, કોઇ દંપતિ આવે તો,તેને સ્ત્રીદાતાના ફોટા,રંગ,વાળ,શૈક્ષણિક લાયકાત દેખાડીને સ્ત્રીબિજના ભાવ કહેવાય છે.ડૉક્ટરો જ એવો ભ્રમ ફેલાવે છેકે, શ્વેતવર્ણ હોય,શિક્ષિત હોય હોય તો તે યુવતીના સ્ત્રીબિજથી જન્મ લેનાર સંતાન પણ સ્ત્રીદાતા જેવો જ હોય છે. આ કારણોસર ફર્ટિલિટી સેન્ટરો પર ડૉક્ટર,એન્જિનિયર સહિતના વ્યવસાયી સ્ત્રીદાતાના સ્ત્રીબિજની પણ ખાસ્સી એવી ડિમાન્ડ છે. આમ,ડૉક્ટરો નિસંતાનદંપતિઓ પણ ધૂમ નાણાં લે છે જયારે સ્ત્રીદાતાને તે પેકેજનો આંશિક ભાગ જ આપવામાં આવે છે. આમ,સ્ત્રાબિજનો બિઝનેસ ધમધમી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર