ખંભાતના 80થી વધુ વિસ્તારમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરાયો

ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (15:38 IST)
23 ફેબ્રુઆરીએ ખંભાતમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં સામ-સામે પથ્થરમારો અને વાહનો-મકાનોમાં આગચંપીની ઘટનાઓ બની હતી. હવે ફરીથી આવી કોઈ પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે શહેરમાં કેટલાક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે ખંભાતના 80થી વધુ વિસ્તારમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરી દીધો છે. અગાઉ પણ ખંભાતમાં હિંસાની નાની મોટી ઘટનાઓ સામે બની હતી. જેને પગલે સ્થાનિકો દ્વારા અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત સરકાર સમક્ષ થઇ રહી હતી. આ રજુઆતોને ધ્યાનમાં રાખીને અને હિંસાને અટકાવવા માટે અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. આ અશાંત ધારો 26 ફેબૃઆરી 2020થી લાગુ કરી દેવામાં આવ્યો છે જે આગામી 25 ફેબૃઆરી 2025 એટલે કે પાંચ વર્ષ સુધી રહેશે. અશાંત ધારો લાગુ હોય તે વિસ્તારમાં કોઇ પણ સ્થાવર સંપત્તિને ટ્રાન્સફર કરતા પહેલાં કલેક્ટરની મંજૂરી લેવી પડશે. રાજ્ય સરકાર દ્વારા ખંભાતના પીરાજપુર, અંબા માતાની ખડકી,  કસાઈ વાડ, મોહનપુરા, શેખવાડી, વસાર વાડ,  જૂની મંડળી, પીપળા શેરી, પટેલની શેરી,  ધુ્રવની પોળ અને નવી ખડકી સહિત 80થી વધુ વિસ્તારોમાં અશાંત ધારો લાગૂ કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર