ધોરણ 1થી 9 માટે સ્કૂલોએ ઓનલાઇન શિક્ષણનો સમય વધારી 3.30 કલાક કર્યો

સોમવાર, 11 જાન્યુઆરી 2021 (10:06 IST)
સરકારે બોર્ડના વિદ્યાર્થીઓ માટે ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરતાં જ ધો. 1થી 9ના કેટલાક સ્વનિર્ભર શાળા સંચાલકોએ ઓનલાઇન એજ્યુકેશનના સમયમાં એકાએક વધારો કરી દીધો છે. પહેલા દોઢથી બે કલાક સુધી ભણાવતા હતા તે ઓનલાઇન ક્લાસનો સમય હવે સાડા ત્રણ કલાક સુધી કરી દેવાયો છે. બાળકોને સતત મોબાઇલ સામે બેસીને અભ્યાસ કરવાથી જાતભાતની સમસ્યાઓ થાય છે તેવું બાળરોગ નિષ્ણાંતોએ જણાવ્યું છે. સામાન્ય રીતે દોઢ કલાક સુધી ઓનલાઇન એજ્યુકેશન લેવું હોય તો 500થી 900 એમ.બી. ડેટા વપરાઈ જાય છે. મોટાભાગના બાળકો વહેલી સવારે પિતા નોકરી પર જાય તે પહેલા ડેટા શેર કરીને ભણી લેતા હોય છે. દરેકના ઘરે વાઇફાઇ સુવિધા હોય તે જરૂરી નથી. આવા પરિવારોમાં બાળકોને ઓનલાઇન એજ્યુકેશન લેવું મુશ્કેલ સાબિત થશે.સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપક રાજ્યગુરુએ કહ્યું હતું કે નાના બાળકો એટલે કે ધો. 1થી 5 માટે 35 મિનિટ અને તેનાથી મોટા ધો. 6થી 9 માટે 45 મિનિટ ક્લાસ ચાલશે. ગાઇડલાઇન મુજબ જ ક્લાસ ચલાવવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર