હવે ઘરે બેઠા આ રીતે મળશે સોમનાથ દાદાનો પ્રસાદ, શરૂ થઇ પોસ્ટલ પ્રસાદ સેવા

બુધવાર, 24 ફેબ્રુઆરી 2021 (20:44 IST)
ગુજરાતમાં આવેલા સોમનાથ મંદિરનો 12 જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે. દેશ વિદેશમાંથી લાખો લોકો દાદાના દર્શને આવતા હોય છે.  ત્યારે હવે ભક્તો માટે ખુશીના સમાચાર છે. સોમનાથ મંદીરનો પ્રસાદ હવેથી પોસ્ટ વિભાગ તમારા ઘર સુધી પણ પહોચાડશે. ટ્રસ્ટી સેક્રેટરીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો છે.
 
પ્રવીણ લહેરીએ ઇ-સિસ્ટમથી પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસાદ 250 રૂપિયામાં ભારતીય પોસ્ટ વિભાગની મદદથી ભક્તો પોતાના ઘર સુધી મેળવી શકશે. પ્રસાદમાં 200 ગ્રામ લાડુ અને 200 ગ્રામ ચીક્કી પોસ્ટ વિભાગ ભારતના કોઈ પણ સ્થળે પહોચાડશે.
 
સોમનાથ દાદાના ભક્તોને 400 ગ્રામ જેટલો શુદ્ધ પ્રસાદ લેવા માટે 250 રૂપિયા ચુકવવા પડશે.નજીકની કોઈ પણ પોસ્ટ ઓફીસ નો સંપર્ક કરીને તમે પ્રસાદ મેળવી શકો છો. સોમનાથ ટ્રસ્ટનાં નામનું રૂપિયા 250નું મનીઓર્ડર કરવાનું રહેશે ત્યારબાદ 2-3 દિવસમાં ભક્તોને પોતાના ઘરે જ પ્રસાદ મળી જશે.
 
જણાવી દઈએ કે સોમનાથ ટ્રસ્ટનો પ્રસાદ ભારતીય ફૂડ વિભાગ દ્વારા પ્રમાણિત થયેલ છે. પ્રસાદ લાંબા સમય સુધી બગડતો નથી અને લાંબા સમય સુધી આરોગી શકાય છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવી સુવિધા શરુ કરવામાં આવતા ભક્તો પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર