વલસાડમાં સરીગામની GIDCમાં આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ

શનિવાર, 27 જૂન 2020 (12:39 IST)
ગુજરાતમાં સતત આગના બનાવો સર્જાઇ રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના સાણંદ નજીક આવેલી જીઆઇડીસીમાં ડાયપર બનાવતી એક કંપનીમાં આગ લાગી હતી. ત્યારબાદ હવે વલસાડના સરીગામમાં આવેલી GIDCમાં રબર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ લાગી છે. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી હોવાના સમાચાર મળતાં ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. આગ લાગતા કંપનીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.
 
દસમેશ રબર ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. શરૂઆતમાં તો માત્ર કંપનીનાં એક ભાગમાં જ આગ લાગી હતી પરંતુ બાદમાં ધીમે ધીમે આગ સમગ્ર કંપનીમાં ફેલાઇ જતાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી દીધું હતું જેથી કંપનીને ખૂબ મોટી માત્રમાં નુકસાન થયું છે. 
 
કંપનીની અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી આખી કંપની એકાએક આગની જવાળાઓમાં લપેટાઇ ગઇ હતી. જો કે પરિસ્થિતિની ગંભીરતા જોતા વાપી સેલવાસ અને દમણની ફાયર બ્રિગેડની ટીમોને તત્કાલિક આગ બુઝાવવા બોલાવી લેવાઇ હતી.
 
જો કે આ ઘટનાની જાણ થતાં જ પ્રથમ સરીગામની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો હાથ ધરાયાં. મોડી રાત્રે લાગેલી આગ પર કાબુ મેળવવા માટે રાત-દિવસ સુધી 8થી વધુ ફાયર બ્રિગેડની ટીમોએ જહેમત ઉઠાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર