કડકડતી ઠંડીમાં ખેડૂતોને રાતના ઉજાગરા અને હાડમારીમાંથી મળશે મુકિત

સોમવાર, 18 જાન્યુઆરી 2021 (09:53 IST)
ભરૂચ જિલ્લાના વાગરાની એમ.એમ.પટેલ હાઇસ્કૂલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ,તબીબી શિક્ષણ રાજય મંત્રી કિશોર કાનાણીના અધ્યક્ષસ્થાને કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ રાજય મંત્રી કિશોરભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને આઠ કલાક દિવસે વીજ પુરવઠો મળતાં રાતના ઉજાગરા અને હાડમારીમાંથી મુકિત મળશે. વાગરા તાલુકાના ૧૭ ગામોમાં ખેડૂતોને દિવસે વિજપુરવઠો મળશે. આ યોજના અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં રાજયના તમામ ખેડૂતોને દિવસે વીજ પુરવઠો ઉપલબ્ધ બનાવાશે. ખેડૂતોને હવે દિવસે વિજળી મળતા રાતના ઉજાગરા,વન્ય જીવવંતુ કરડવાનો ભય, કડકડતી ઠંડી, અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમી મુકિત મળશે.
 
ભૂતકાળની વિકટ દર્દનાક સ્થિતિનો ઉલ્લેખ કરી વર્તમાન સરકારે રાજયમાં ર૪ કલાક વિજળી આપીને ધરેલું અને કૃષિ વિજ સુવિધા માટે સર્વાંગી બદલાવ માટે કમરકસી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ રાજય સરકાર સતત ગામડાનો,ખેડૂતો અને ગરીબોની ચિંતા કરે છે. તેમ જણાવી મંત્રીએ ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે અમલમાં મુકાયેલ ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓની વિગતે જાણકારી આપી હતી.
 
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોનું જીવન સુરક્ષિત અને સમૃધ્ધ બનાવવા રાજય સરકાર પ્રયત્નશીલ છે. વાગરા તાલુકાના ૧૭ ગામોને આ યોજનાનો લાભ મળશે. જેના થકી ખેડૂતોને દિવસે વીજળી મળશે. અને ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થશે. તેમણે  ખેડૂતોની આવક બમણી કરવાના કેન્દ્ર તથા રાજય સરકારના પ્રયાસોને બિરદાવી સરકારની ખેડૂતો માટેની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. 
 
પ્રારંભે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઇજનેર એસ.પી.ચૌહાણે સ્વાગત પ્રવચનમાં મહાનુભાવોને આવકારી કિસાન સૂર્યોદય યોજનાની વિગતવાર માહિતી આપી હતી. અંતમાં આભારવિધિ જીઇબીના અધિકારી બી.સી.ગોધાણીએ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પટેલ,  જિલ્લા આગેવાન મારૂતીસિંહ અટોદરિયા, તાલુકા આગેવાન પદાધિકારીઓ, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ, ખેડૂતો વગેરે ઉપસ્થિત રહયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર