સુરતના ભેસ્તાનમાં ચાર વર્ષની બાળકી પર 10 કૂતરાઓએ હુમલો કર્યો, સારવાર દરમિયાન મોત

મંગળવાર, 6 ફેબ્રુઆરી 2024 (12:49 IST)
Dogs created terror in Surat


- સુરતમાં 4 વર્ષની બાળકી પર  8થી 10 કૂતરાઓએ કર્યો હુમલો
- બેભાન હાલતમાં કૂતરાઓ પાસેથી મળી 
-  ફરજ પરના તબીબે મૃત જાહેર કરી 
 
સુરતના પાંડેસરા ભેસ્તાન વિસ્તારમાં 4 વર્ષની બાળકી ઉપર રખડતાં 8થી 10 કૂતરાઓએ હુમલો કરતાં તેનું મોત થયું હતું. માતા-પિતા કામ પરથી ઘરે આવીને 4 વર્ષની બાળકીને શોધતાં તે ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં કૂતરાઓ પાસેથી મળી આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચ્યાં હતાં, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.

મૂળ મધ્યપ્રદેશના વતની કાળુભાઈ અરડ પાંડેસરા ભેસ્તાન સિદ્ધાર્થ નગર ઝૂંપડપટ્ટીમાં પત્ની, ત્રણ દીકરા અને એક 4 વર્ષની દીકરી સુરમિલા સાથે રહે છે. કાળુભાઈ અને તેની પત્ની પાંડેસરા જીઆઇડીસીમાં આવેલી મહેશ કંપનીના બોઈલરમાં કોલસા નાખવાનું કામ કરે છે.કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેનાં બે સંતાનને સાથે લઈ જતા જ્યારે સુરમિલા અને બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતા હતા.

રાબેતા મુજબ ગત રોજ પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા. તે દરમિયાન સાંજે સુરમિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યાં હતાં.ઘરની પાસે ઝાડીઓમાં ગાયને ખાવા માટે ચાર નાખવામાં આવે છે. તે ચારમાં સુરમિલાને શેરડી દેખાઈ હતી. જેથી સુરમિલા તે શેરડી લેવા માટે ગઈ હતી. ત્યારે ત્યાં અચાનક 8થી 10 કૂતરાઓએ સુરમિલાના ગળા ઉપર હુમલો કરી તેને દબોચી લીધી હતી. જેથી તે બેભાન થઈ ગઈ હતી. સુરમિલાના પિતા કાળુભાઈએ જણાવ્યું હતું કે, હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો. ત્યારે મને સુરમિલા દેખાઈ ન હતી. જેથી બજરંગીએ કહ્યું હતું કે, સુરમિલા ત્યાં ઝાડીમાં પડેલી છે. જેથી મેં ત્યાં જઈને જોયું તો સુરમિલા બેભાન હાલતમાં કૂતરાઓ પાસે પડેલી હતી. મેં કૂતરાઓએ પથ્થર મારીને ભગાવ્યાં હતાં અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. સરકારને અપીલ છે કે કૂતરાઓને પકડી લેવા જોઈએ. પાલિકાને રજૂઆત છે કે અહીં ખૂબ જ કૂતરાઓ વધી જાય છે. જેમને પકડીને પૂરી દેવા જોઈએ.અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સિવિલ હોસ્પિટલના એન્ટિ રેબીસ વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રખડતાં કૂતરાઓના હુમલાના રોજના 35થી 40 કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં બાળકોથી લઈ વૃદ્ધોને કૂતરાઓએ બચકાં ભર્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર