આજથી રાજ્યમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ, આ 22 સેવાઓ ઘર આંગણે જ મળી રહેશે

ગુરુવાર, 8 ઑક્ટોબર 2020 (10:49 IST)
આજથી ગુજરાતમાં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ થયો છે. આ યોજના અંતર્ગત રાજ્યના તમામ ગામડાઓને ફાઇબર ઓપ્ટિકલ કેબલથી જોડવામાં આવશે. જેનાથી ગામડાઓમાં સારી ઇન્ટરનેટ સ્પીડ મળી રહેશે. હાલમાં દરેક ગામડાને 100 MBPSની સ્પિડ આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર 8મી ઑક્ટોબરના રોજ ગુજરાતના 2700 ગામમાં આ સેવા શરૂ કરી દેવામાં આવશે. 
 
3500 ગામ માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે પરંતુ ચૂંટણી આચાર સંહિતાને પગલે હાલ 2700 ગ્રામ પંચાયતોમાં જ આ સેવા શરૂ થશે. આ સેવા શરૂ થતાં જ ગામના લોકોએ નવું રેશન કાર્ડ, આવકના દાખલા, જાતિના પ્રમાણપત્ર સહિતના 22 કામ માટે તાલુકા કે જીલ્લા કક્ષાએ જવાની જરૂર નહીં રહે. તેઓને પોતાના ગામ ખાતેથી જ આ તમામ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થશે.
 
ગુજરાતમા સૌ પ્રથમ વાર ગ્રામ્ય વિસ્તારના લોકોને આવક અને જાતિનો દાખલો, રેશનકાર્ડમાં સુધારો કે નવા કાઢવા, સિનિયર સિટીઝન કે માઇનોરીટી તેમજ વિધવા સર્ટીફિકેટ સહિત ગ્રામ પંચાયતમાંથી કાઢી શકાશે. જેના માટે જિલ્લાની 44 ગ્રામ પંચાયતોમાં ડિજિટલ સેવાસેતુનો કાર્યક્રમ 8મી ઓક્ટોબરથી સીએમ વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ થયો છે.
 
મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ પ્રમાણે લોકોને અમુક દાખલા માટે સોદંગનામું કરવું પડે છે. આ માટે તાલુકા કક્ષાએ કે પછી જિલ્લાના નોટરી પાસે જવું પડે છે. આ માટે તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા આપવામાં આવશે.
 
પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાલમાં 22 સેવા શરૂ કરાશે. ગ્રામજનોએ આવી સેવાઓ તેમના ઘર આંગણે એટલે ગ્રામ પંચાયતમાંથી મળી રહે તેવો હેતુ છે. આ ગ્રામ પંચાયતોમાં ઉપરોક્ત કામગીરી ઉપરાંત ટેમ્પરરી રેસિડન્ટ સર્ટીફિકેટ, ડુપ્લિકેટ રેશનકાર્ડ સહિતની 22 જેટલી કામગીરી કરાશે.
 
હાલમાં શરૂઆતના તબક્કે 22 સેવાઓ શરૂ કરાશે. ત્યારબાદ આગામી સમયમાં અન્ય 50 સેવાઓ પણ શરૂ કરાશે.આ ડીજીટલ સેવાથી ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર