ઉત્તરાયણ પછી લગ્નમાં 200 મહેમાનોની મંજુરી આપવામાં આવે તેવી શક્યતાઓ, રાત્રિ કર્ફ્યૂનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે

બુધવાર, 13 જાન્યુઆરી 2021 (12:25 IST)
રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લૉકડાઉન લગાવવામાં આવતાં લગ્ન પ્રસંગો બંધ થઈ ગયાં હતાં. જે અનલૉકની પ્રક્રિયામાં ફરીવાર શરૂ થઈ ગયાં હતાં. ત્યારે સરકારે 100 મહેમાનોની મંજુરી આપી હતી. જ્યારે હવે રાજ્યમાં કોરોના ધીમો પડી ગયો છે. રોજેરોજ કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકાર ઉત્તરાયણ બાદ એટલે કે 15 જાન્યુઆરી પછી કમુર્હતા ઉતરતાં લગ્નમાં 100ની જગ્યાએ 200 મહેમાનોની મંજુરી આપે તેવી શક્યતાઓ છે. બીજી બાજુ લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજુરી અને રાજકિય તાયફાઓમાં ભીડ ભેગી થતી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં લોકોમાં રોષ પ્રવર્તિ રહ્યો છે. આ સ્થિતિમાં સરકાર લગ્નમાં મહેમાનોની સંખ્યા ડબલ કરી શકે છે. હાલમાં રાજ્યમાં ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ રાત્રે 10 વાગ્યા સુધીનો છે તેમાં વધારો કરીને રાત્રે 12 વાગ્યાથી કર્ફ્યૂ લાદી શકે છે. 22 માર્ચે જ્યારે જનતા કર્ફ્યુ લાગુ થયો હતો, એ પહેલાં જ દેશભરમાં રાજ્ય સરકારોએ ધાર્મિક, સાંસ્કૃતિક, એકેડમી, રમત-ગમત, મનોરંજન અને રાજકીય આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે એને 21 સપ્ટેમ્બરે શરૂ કરવાની પરવાનગી અપાઈ હતી. ઓપન એર થિયેટરને પણ 21 તારીખથી ખોલવાની છૂટ અપાઈ હતી, પણ આ કાર્યક્રમોમાં કેટલીક શરતો સાથે છૂટ હતી, જેમાં પ્રસંગોમાં 100થી વધારે લોકો ભેગા નહીં થઈ શકે. પ્રસંગમાં હાજરી આપનારે માસ્ક પહેરવું ફરજિયાત હતું. ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાય કરવા જરૂરી હતા. ઉપરાંત આવી જગ્યાએ થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઈઝર કે હેન્ડ વોશની સુવિધા રાખવી ફરજિયાત હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર