રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપ પ્રમુખ પાટીલ વિરૂદ્ધ હાઈકોર્ટમાં કોંગ્રેસના પરેશ ધાનાણીએ પીટિશન કરી

ગુરુવાર, 15 એપ્રિલ 2021 (12:14 IST)
ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઈન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાતા ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માંગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશા ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરી છે. 

રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સી.આર પાટીલને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે આક્ષેપો કર્યા છે. રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર