સુરત સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો ,ઘટનાના 12 દિવસ બાદ એક આરોપીની ધરપકડ

ગુરુવાર, 9 નવેમ્બર 2023 (10:40 IST)
સુરતમાં એકસાથે 7 લોકોના સામૂહિક આપઘાત કેસમાં સુરત પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસે ઘટનાના 12 દિવસ બાદ એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ ઈન્દ્રપાલ શર્મા છે, જે મૃતક મનીષ સોલંકીનો (Manish Solanki) બિઝનેસ પાર્ટનર છે. બંને ફર્નિચરના વ્યવસાયમાં ભાગીદાર હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઈન્દરપાલે મનીષ સોલંકી પાસેથી 20 લાખ રૂપિયા લેવાના હતા. ઈન્દરપાલ મનીષ પર દિવાળી સુધીમાં પૈસા ચૂકવવા દબાણ કરતો હતો.

સુરત પોલીસના ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે, 29 ઓક્ટોબરની સવારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક ફ્લેટમાંથી સાત લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ સામૂહિક આત્મહત્યાનો મામલો જણાતો હતો. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે મૃતક મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ લીધો હતો જ્યારે તેના માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકો ઝેર પીને મૃત્યુ પામ્યા હતા. પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં તેણે કોઈનું નામ લીધા વગર પૈસા પાછા નહીં મળવાનું લખ્યું હતું.પોલીસ માટે આ રહસ્ય ઉકેલવું ઘણું મુશ્કેલ હતું. પોલીસે આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ ચાલુ રાખી હતી. દરમિયાન પોલીસને મૃતક મનીષે લખેલો બીજો પત્ર મળ્યો હતો જેમાં તેણે તેના ભાગીદાર ઈન્દ્રપાલ શર્માએ દિવાળી સુધીમાં 20 લાખ રૂપિયાનું બિલ ચૂકવવા માટે દબાણ કર્યું હોવાનું લખ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ઈન્દરપાલ અને મૃતક મનીષે સુરતના ભટાર વિસ્તારમાં નિધિ પ્લાયવુડ નામની દુકાન ભાગીદારીમાં શરૂ કરી હતી. મનીષને ફર્નિચરનો ધંધો હતો અને તેણે દુકાનમાંથી સામાન લીધો હતો જેના પૈસા તેણે ચૂકવવાના હતા અને ભાગીદાર ઈન્દરપાલે તેને દિવાળી સુધીમાં બાકીની રકમ ચૂકવી દેવાનું કહ્યું હતું.પોલીસને જાણવા મળ્યું કે, મૃતક મનીષે બેંકમાંથી લોન લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેણે લગભગ 10 લાખ રૂપિયાની લોન માટે અરજી કરી હતી પરંતુ તેની લોન નામંજૂર કરવામાં આવી હતી. જ્યારે ઘટનાના બીજા દિવસે એક લોન મંજૂર કરવામાં આવી હતી. પોલીસે ઈન્દરપાલ શર્મા વિરુદ્ધ કલમ 306 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર