કરજણ હાઇવે પર લકઝરી બસ સળગી, ડ્રાઇવરની સતર્કતાથી 20 મુસાફરના જીવ બચ્યા

સોમવાર, 18 માર્ચ 2024 (13:50 IST)
A luxury bus caught fire on the Karajan highway


- વહેલી સવારે 20 જેટલા મુસાફરો ભરેલી લકઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળી
- બસના ડ્રાઈવરની સતર્કતાથી 20 મુસાફરોના જીવ બચી ગયા
- ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં લાગેલી આગને કાબુમાં લીધી
 
  કરજણ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે વહેલી સવારે 20 જેટલા મુસાફરો ભરેલી લકઝરી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બસના ડ્રાઈવરની સતર્કતાથી 20 મુસાફરોના જીવ બચી ગયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બસમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. બસમાં લાગેલી આગને કારણે હાઈવે પરથી પસાર થતાં વાહન ચાલકો પણ થોભી ગયા હતાં. આગ કાબુમાં આવે તે પહેલાં જ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. 
 
હાઇવે ઉપર ટ્રાફિક પ્રભાવિત થયો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે કરજણ નેશનલ હાઇવે નંબર-48 ઉપર ટોલ નાકા પાસે વહેલી સવારે પુનાથી મુસાફરો લઇને અમદાવાદ તરફ જઇ રહેલી લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. બસમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થતાં જ બસચાલકે બસને રોડની બાજુમાં લઇ જઇ પાર્ક કરી દીધી હતી. બસમાં સવાર તમામ 20 મુસાફરોને સાવચેતી પૂર્વક ઉતારી લીધા હતા. બસના તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા બાદ આગે પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભડભડ સળગી ઉઠેલી બસના કારણે હાઇવે ઉપર ટ્રાફિક વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. 
 
બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઇ હતી
આ બનાવની જાણ તંત્રને થતાં સ્થળ પર પહોંચી ગયું હતું, પરંતુ તંત્ર દ્વારા રસ્તો બંધ ન કરાતા કેટલાંક વાહનચાલકો જોખમ ખેડીને રોડની બાજુમાં ભડભડ સળગી રહેલી બસની બાજુમાંથી પસાર થયા હતા. લક્ઝરી બસમાં લાગેલી આગની જાણ કરજણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો દોડી આવ્યા હતા. બસમાં લાગેલી આગ ઉપર પાણીમારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જોકે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઇ હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર