Rajkot busport-તમામ સુવિધાઓથી સજ્જ એરપોર્ટ જેવું રાજકોટનું બસપોર્ટ, શનિવારે લોકાર્પણ

શુક્રવાર, 24 જાન્યુઆરી 2020 (14:30 IST)
રાજકોટ શહેરમાં એરપોર્ટ જેવા અત્યાધુનિક બસપોર્ટનું 25મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે ત્યારે નવા બસપોર્ટને રોશનીનો મનમોહક શણગાર કરાયો છે. નવા બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે ટિકિટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, ડિજિટલ ડિસ્પ્લે સાથે આવાગમનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિએબલ સાઈન બોર્ડ, સીસીટીવી કેમેરા, વોલ્વો વેઈટિંગ રૂમ, વ્હિલચેર, લગેજ ટ્રોલી, કેન્ટીન/રેસ્ટોરેન્ટ, ડોરમેટરી, બે માળનું અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ/પ્લાઝા, શો-રૂમ, ગેમઝોન અને સિનેમા સહિતની સુવિધા અને વ્યવસ્થા હશે. આ બસપોર્ટમાં 350થી વધુ દુકાનો પણ હશે. નવા બસપોર્ટમાં મુસાફરોને મનોરંજન, ખાવા-પીવા, શોપિંગ જેવી અનેક વ્યવસ્થાઓનો લાભ મળશે. ગ્રાઉન્ડ ફ્લોર પર 20 જેટલા પ્લેટફોર્મ બનાવાશે જ્યાં દરેક રૂટની બસોના ડિજિટલ બોર્ડ મુકાશે. ગ્રાઉન્ડ ફ્લોર પરથી તમામ બસોનું સંચાલન થશે, જ્યારે ઉપર ચાર માળમાં 350 જેટલી કોમર્શિયલ દુકાનો હશે. ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે બે માળનું સેલર બનાવાયું છે જ્યાં એકસાથે 1000 જેટલા બાઈક અને 300 જેટલી કાર પાર્ક થઇ શકશે.નવા બસપોર્ટમાં 20 જેટલા પ્લેટફોર્મમાં જુદા જુદા રૂટની બસોનું સંચાલન કરવા ઉપરાંત વાર-તહેવાર કે યાત્રિકોના ટ્રાફિકને પહોંચી વળવામાટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાય છે તે માટે નવા બસપોર્ટમાં 35 જેટલી બસો સ્ટેન્ડ બાય રહી શકે તે માટેની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર