WHOના વડા આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે

સોમવાર, 18 એપ્રિલ 2022 (11:04 IST)
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વડા ડૉ. ટૅડ્રોસ ગેબ્રિયેસિસ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. તેઓ વડા પ્રધાન મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે.
 
ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, તેઓ 18 એપ્રિલે સવારે રાજકોટ પહોંચશે. જ્યાં રાત્રિરોકાણ બાદ મંગળવારે સવારે જામનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડબલ્યૂએચઓના 'ગ્લોબલ સેન્ટર ફૉર ટ્રેડિશનલ મૅડિસિન'નું ખાતમૂહુર્ત કરશે.
 
આ સેન્ટર વિશ્વનું પ્રથમ અને એકમાત્ર એવું સેન્ટર હશે જ્યાં પરંપરાગત દવાઓ પર સંશોધન કરવામાં આવશે.
 
ત્યાર બાદ બુધવારે ડૉ. ગેબ્રિયેસિસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાનારી 'ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ ઍન્ડ ઇનોવેશન સમિટ'માં ભાગ લેશે.
 
ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતે કોરોનાથી થયેલા મૃત્યુ ગણવાની પદ્ધતિને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન પર સવાલ ઊઠાવ્યા છે. શનિવારે ભારતે કહ્યું હતું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાથી થયેલા મૃત્યુ ગણવાની જે પદ્ધતિ અપનાવી છે, તે ભારતના સંદર્ભમાં ઠીક નથી.
 
ભારતે તરફથી આ વાતના સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું કે ભારત જેવા વિશાળ દેશમાં, જ્યાં વસતિ ખૂબ વધારે છે, ત્યાં આ રીત ન અપનાવવી જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર