Pranab Mukherjee Dies: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનુ 84ની વયે નિધન, દિલ્હી હોસ્પિટલમાં હતા દાખલ

સોમવાર, 31 ઑગસ્ટ 2020 (18:36 IST)
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે સોમવારે અવસાન થયું. તે લાંબા સમયથી બીમાર હતા અને દિલ્હીમાં હોસ્પિટલમાં દાખલ હતા. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિના નિધન અંગે જણાવ્યું.
 
અભિજીત મુખર્જીએ ટ્વીટ કર્યુ, 'ભારે દિલથી તમને જણાવી રહ્યો છુ કે મારા પિતા શ્રી પ્રણવ મુખર્જીનુ આર. આર. હોસ્પિટલના ડોક્ટરોના સર્વોત્તમ પ્રયત્ન અને આખા દેશના લોકોની પ્રાર્થના છતા નિધન થઈ ગયુ છે. હુ આપ સૌનો હાથ જોડીને આભાર માનુ છુ.  
 
 પ્રણવ મુખરજીના નિધન પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અગ્રણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કર્યું છે કે, 'પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના અવસાન વિશે સાંભળીને દિલને આધાત લાગ્યો છે. તેમનુ અવસાન એક યુગનો અંત છે. હું શ્રી પ્રણવ મુખરજીના કુટુંબ, મિત્રો અને દેશવાસીઓ પ્રત્યે ખૂબ ઊંડો શોક સંવેદના વ્યક્ત કરું છું. '
 
તેમણે આગળ લખ્યું, 'ભારતના પ્રથમ નાગરિકના રૂપમાં, તેમણે લોકો સાથે જોડાવા અને રાષ્ટ્રપતિ ભવન સાથે લોકોની નિકટતા વધારવા માટે સભાન પ્રયાસો કર્યા. તેમણે રાષ્ટ્રપતિ ભવનના દરવાજા જનતા માટે ખોલ્યા. રાષ્ટ્રપતિ માટે 'મહામહિમ' શબ્દની પ્રથાને સમાપ્ત કરવાનો તેમનો નિર્ણય ઐતિહાસિક છે. 
 
આ પહેલા પ્રણવ મુખરજીની તબિયત વધુ બગડી ગઈ. હોસ્પિટલે જણાવ્યું હતું કે પ્રણવ મુખર્જીની તબિયત વધુ બગડવાનુ કારણ તેમના ફેફસાના ચેપને કારણે તેમને સેપ્ટિક શોક હતો.  સેપ્ટિક શોક એ એક ગંભીર સ્થિતિ છે જેમાં બીપી કાર્ય કરવાનું બંધ કરે છે અને શરીરના ભાગો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવી શકતા નથી. 
 
આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે કહ્યું હતું કે 84 વર્ષીય મુખર્જીની સારવાર કરતા ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ કોમામાં છે અને વેન્ટિલેટર પર છે. પૂર્વ રાષ્ટ્રપતિને 10 ઓગસ્ટે  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના મગજની સર્જરી કરાવી હતી. બાદમાં, તેમણે ફેફસામાં પણ ચેપ લાગ્યો હતો.
 
હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું હતું કે 'ગઈકાલથી શ્રી પ્રણવ મુખરજીની તબિયત વધુ ખરાબ છે.  ફેફસાના ચેપને કારણે તેમને સેપ્ટિક થયો છે અને હાલમાં નિષ્ણાતોની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે. તે હજી પણ ડીપ કોમામાં છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે. મુખર્જી 2012 થી 2017 સુધીમાં 13 મા રાષ્ટ્રપતિ હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર