કોરોના લોકડાઉન વચ્ચે આજે કેટલીક શરતો સાથે જરૂરી દુકાનો ખોલવાની આપી મંજુરી

શનિવાર, 25 એપ્રિલ 2020 (11:02 IST)
કોરોના લોકડાઉનની વચ્ચે આજે એટલે કે શનિવારથી દેશભરમાં કેટલીક જરૂરી શરતો સાથે દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજીસ્ટર્ડ દુકાનોને શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે શોપિંગ મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સ હજુ ખૂલશે નહીં. આ છૂટ માત્ર એ જ દુકાનોને છે જે નગર નિગમો અને નગરપાલિકાઓની સરહદમાં આવનાર આવાસીય પરિસરની આસપાસ છે. 
 
દારૂની દુકાનો નહી ખુલે 
 
મંત્રાલય દ્વારા મોડી રાત્રે આપવામાં આવેલી માહિતી મુજબ, આ અંતર્ગત, દેશભરમાં 25 એપ્રિલથી બિન-આવશ્યક વસ્તુઓની પણ દુકાનો પણ ખોલવામાં આવશે, પરંતુ કેટલીક શરતોનું પણ સખત પાલન કરવું પડશે. અત્રે નોંધનીય છે કે દારૂની દુકાનો ખોલવામાં નહી આવે.  દારૂની દુકાનોને  આ કેટેગરીમાં રાખવામાં આવતી નથી. 
 
મોલ, શોપિંગ કોમ્પલેક્ષે રાહ જોવી પડશે
 
આદેશ મુજબ, તમામ દુકાનો સંબંધિત રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોના એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધણી કરાવેલી હોવી જોઈએ. દેશમાં શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ્સ દુકાનો ખોલી શકશે નહીં. આ સિવાય કેન્દ્ર સરકારે કેટલીક શરતો સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓની હદમાં અને રહેઠાણની નિકટ આવેલી દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે.
 
હોટસ્પોટ વિસ્તારોમાં કોઈ છૂટછાટ નહી 
 
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક આદેશમાં જણાવ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની આસપાસના વિસ્તારમાં આવેલી તમામ એક જ દુકાનને લોકડાઉન દરમિયાન ખોલવા દેવામાં આવશે. જો કે, મ્યુનિસિપલ હદમાં આવેલા માર્કેટ સ્થળોની દુકાનો 3 મે સુધી બંધ રહેશે. સંક્રમણના  સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં (હોટસ્પોટ વિસ્તારો) આ છૂટ આપવામાં આવી નથી.
 
સોશિયલ ડિસ્ટેન્સિંગનુ કરવુ પડશે પાલન 
 
ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર, દેશમાં 25 એપ્રિલથી શરૂ થનારી દુકાનોમાં ફક્ત 50 ટકા કર્મચારીઓ જ કામ કરી શકશે અને તે બધાને માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટેન્સિંગનુ પાલન કરવું પડશે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે, દેશવ્યાપી લોકડાઉનને ધ્યાનમાં રાખીને જરૂરી વસ્તુઓના સપ્લાય સિવાયની તમામ દુકાનોને 3 મે સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર