ટ્રમ્પની 3 કલાકની મુલાકાત 100 કરોડમાં પડશે: મોટાભાગનો ખર્ચો રાજ્ય સરકાર ભોગવશે

શનિવાર, 15 ફેબ્રુઆરી 2020 (14:41 IST)
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના રેડકાર્પેટ સ્વાગત તથા સ્વાગત-કાર્યક્રમને યાદગાર બનાવવા માટે રાજય સરકારે જાણે કે તિજોરી ખુલ્લી મુકી દીધી છે. ખર્ચ કરવામાં કોઈ કચાશ નહીં રાખવામાં આવે. ટ્રમ્પની ત્રણ કલાકની મુલાકાત પાછળનો ખર્ચ 100 કરોડ થઈ શકે છે. અમેરિકી પ્રેસિડેન્ટના હાઈપ્રોફાઈલ પ્રવાસ માટે રાજય સરકાર દ્વારા અંદાજીત 100 કરોડનો ખર્ચ કરવામાં આવે તેવો પ્રાથમીક અંદાજ છે. ખુદ મહામંત્રી વિજય રૂપાણીએ અધિકારીઓ સાથેની બેઠકમાં એવુ સ્પષ્ટ કર્યુ હતું કે નાણાના વાંકે ટ્રમ્પ પ્રવાસની તૈયારીમાં કોઈ કચાશ ન રહેવી જોઈએ. અમેરિકી પ્રેસિડેન્ટના પ્રવાસ માટે અમદાવાદના માર્ગોના કાયાકલ્પ તથા શહેરને સુંદર બનાવવા માટે કોર્પોરેશન તથા ઓંડા જ 100 કરોડનો ખર્ચ કરે તેમ છે. 17 માર્ગોનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત મોટેરાના કાર્યક્રમ પછી તેઓને એરપોર્ટ પહોંચવા માટે ખાસ દોઢ કિલોમીટરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. કોર્પોરેશને રૂટ અને કાર્યક્રમસ્થળના શણગાર-સજાવટ માટે છ કરોડ ફાળવ્યા છે. રસ્તાના કામ માટે ઔડાએ 20 કરોડનું બજેટ ફાળવ્યુ છે. ટ્રમ્પનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કુલ ખર્ચની વિગતો જાહેર થશે. પરંતુ ખર્ચનો આંકડો 100 કરોડ અંદાજવામાં આવે છે. કેટલોક ખર્ચ ભારત સરકાર ઉપાડશે છતાં મોટાભાગનો ખર્ચ ગુજરાત સરકારે જ કરવો પડશે. હાઈપ્રોફાઈલ મુલાકાત માટેની તૈયારી ટુંકાગાળામાં કરવાની છે. કોઈપણ કામ માટે નાણાકીય ખર્ચ કરવા મંજુરીની રાહ નહીં જોવાની પણ સૂચના આપી દેવામાં આવી છે.

કયાં-કેટલો ખર્ચ?
* ડોનાલ્ડ ટ્રમ્પના રૂટના માર્ગના નવનિર્માણ પાછળ અંદાજીત રૂા.80 કરોડનો ખર્ચ
* અમેરિકી પ્રેસિડેન્ટની સુરક્ષા પાછળ રૂા.12-15 કરોડ
* મોટેરા સ્ટેડીયમના કાર્યક્રમમાં સામેલ થનારા એક લાખ મહેમાનોના પરિવહન-સરભરા-નાસ્તાપાણી પાછળ 7થી10 કરોડ
* રોડ-શોના રૂટ તથા અન્ય માર્ગો પર ફુલોની સજાવટ પાછળ 6 કરોડ વપરાશે.
* રોડ-શોના રૂટ પર ભારતીય સંસ્કૃતિનું દર્શન કરાવતા સ્ટેજ કાર્યક્રમો થવાના છે તેમાં 4 કરોડના ખર્ચનો અંદાજ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર