ટ્રમ્પના કાર્યક્રમમાં મોટેરા સુધી બસમાં જવા ગુજરાતના ઉદ્યોગપતિઓનો ઈનકાર

શનિવાર, 22 ફેબ્રુઆરી 2020 (13:09 IST)
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત સરકારે ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓને આમંત્રણ માટે જાણકારી મેળવવા જાણ કરાઇ તો આંચકાજનક પ્રતિસાદ સાંપડ્યો. મોટેરા સ્ટેડિયમ સુધી તમામ લોકોને બસમાં જવાનું હોવાથી રાજ્યના ટોચના ઉદ્યોગપતિઓએ નારાજગી દર્શાવી સરકારને કહ્યું કે બસમાં જવાનું હોય તો અમે નહીં આવીએ. સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્યોગપતિઓને અગાઉથી જાણ કરી તેમને આમંત્રણ પહોંચાડવા અને તેમના જૂથના અન્ય કયા લોકોના નામે આમંત્રણ મોકલાવવું તે અંગે મસલત કરવા સંપર્ક કરાયો હતો. પરંતુ ટ્રમ્પ અને મોદી સિવાય અન્ય કોઇનો વાહનોનો કાફલો છેક સુધી જવા દેવાનો ન હોઇ ઉદ્યોગપતિઓએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. જોકે આ ઉદ્યોગગૃહોના અમુક પ્રતિનિધિઓ હાજર રહેશે. આ અંગે ઉદ્યોગપતિઓના પ્રતિનિધિઓનો સંપર્ક કર્યો હતો ત્યારે તેમણે આ અંગે સત્તાવાર નિવેદન કરવાનું ટાળ્યું હતું. સરકારે સ્ટેડિયમ ભરવા ચેમ્બર, ફિક્કી અને અન્ય ઉદ્યોગપતિઓ અને વેપારી સંગઠનોનો સંપર્ક કર્યો હતો. આથી આ એસોસિએશનના સભ્ય હોય તેવા નાના-મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો આ સમારોહમાં હાજરી આપશે. તેમના લાવવા લઇ જવાની જવાબદારી ગુજરાત ચેમ્બરની રહેશે અને તેમના માટેની બસ જીએમડીસી ગ્રાઉન્ડથી ઉપડશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર