રૂપાલાજીએ ક્ષત્રિયોની દીલથી માફી માગી છે, ગુજરાતમાં વધુ લીડથી જીતીશુંઃ અમિત શાહ

ગુરુવાર, 18 એપ્રિલ 2024 (17:19 IST)
amit shah

ગત 22 માર્ચે વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. ત્યાર બાદ ક્ષત્રિયો દ્વારા આ નિવેદનનો રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. આ ઘટનાક્રમ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્ષત્રિયો દ્વારા રૂપાલાના વિરોધ અંગે નિવેદન આપ્યું છે. રોડ શોમાં મીડિયા સાથે વાત કરતા અમિત શાહે જણાવ્યું કે, જ્યાં સુધી ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાજીએ હ્રદયથી માફી માગી લીધી છે. ગુજરાતની 26માંથી 26 સીટ ગત ચૂંટણી કરતા વધુ લીડથી જીતશે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂડ છે. 
amit shah in gandhinagar
દરેક બેઠક પર અમારી લીડમાં વધારો થશે
અમિત શાહે મીડિયાને જણાવ્યું છે કે, ઓડિશા, તામિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં જીત મેળવીશું. હું અટલજી અને અડવાણીજીનો ચૂંટણી ઈન્ચાર્જ હતો, અહીંથી જ હું 30 વર્ષ સુધી ધારાસભ્ય અને સાંસદ રહ્યો છું. આ અમારા લોકો છે અને તેમની વચ્ચે જ મોટો થયો છું, તેમની વચ્ચે રહીને જ કાર્યકર્તાથી ધારાસભ્ય અને સાંસદ બન્યો છું. મને જે કંઈ મળ્યું છે આ વિસ્તારે જ આપ્યું છે.હું એટલું કહી શું કે દરેક બેઠક પર અમારી લીડમાં વધારો થશે અને જેની નોંધ લેવી પડે તેવો વધારો થશે. તપાસ એજન્સીઓ પર ઉઠી રહેલા સવાલ અંગે અમિત શાહે કહ્યું, તપાસ એજન્સીઓ પોતાનું કામ કરે છે, કોઈને સવાલ હોય તો તેમણે કોર્ટમાં જવું જોઈએ.
 
ગાંધીનગર ખાતે બપોરે 12:39 ઉમેદવારી પત્ર ભરશે
ગાંધીનગર સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ તારીખ 19મી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે બપોરે 12:39 ઉમેદવારી પત્ર ભરશે. તે પૂર્વે આજે તેમના મતવિસ્તારમાં સમાવિષ્ટ થતી વિધાનસભા બેઠક સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડીયા, નારણપુરા, વેજલપુર, વિધાનસભા વિસ્તારમાં ભવ્યાથી ભવ્ય વિજય શંખનાદ રોડ શો સાથે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રોડ શોને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાંજે જ અમદાવાદ આવી ગયા છે. આજે અમિત શાહના છ સ્થળોએ રોડ શોનું આયોજન છે. તેને સફળ બનાવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર