કનુભાઈ કળસરિયાએ કહ્યું, ‘ભાજપમાં જવા માટે મારું મન માનતું નથી’

મંગળવાર, 19 માર્ચ 2024 (14:15 IST)
છેલ્લા કેટલાક દિવસોથી મહુવાના પૂર્વ ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસરિયા ભાજપમાં જોડાશે એવી ચર્ચાઓ સતત ચાલી રહી હતી.
 
જોકે, સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર તેમણે ખુદ આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.
 
સોશિયલ મીડિયા પર તેમણે તળાજાના મણાર ગામની સભામાં કરેલું નિવેદન વાઇરલ થઈ રહ્યું છે.
 
આ સભામાં તેઓ કહે છે કે, “ભાજપના મોટા નેતાઓ મારા ઘરે આવીને વાટાઘાટો કરી ગયા છે. અત્યારનો માહોલ એવો છે કે લોકો મને કહી રહ્યા છે કે આવો મોકો મળે તો જતો ન કરાય. પણ મારું મન પહેલાં પણ માનતું ન હતું, અત્યારે પણ માનતું નથી અને ભવિષ્યમાં પણ માનશે નહીં. જો ખેડૂતોનું ભલું થવાની શક્યતા હોત તો મેં હજુ પણ જવાનું વિચાર્યું હોત.”
 
તેમણે કહ્યું હતું કે, “બધા પક્ષોમાં હું જઈને આવ્યો. મને એમ હતું કે કોઇક પક્ષમાં કંઇક સારું હશે. પણ બહારથી સારું દેખાય, અંદર જઈએ તો બધા સરખા લાગે.”
 
અહીં ઉલ્લેખનીય છે કે કનુભાઈ કળસરિયા ઘણા લાંબા સમય સુધી ભાજપના સભ્ય રહ્યા છે અને 1998માં તેઓ ભાવનગર હેઠળ આવતી મહુવા વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ચૂંટાયા હતા.
 
ત્યારબાદ 2002 અને 2007માં પણ તેમને ભાજપની ટિકિટ મળી હતી અને તેઓ ચૂંટાયા હતા. બંને વખતે તેમને સારી સરસાઈથી જીત મળી હતી.
 
પછી તેઓ આમ આદમી પાર્ટીમાં અને કૉંગ્રેસમાં પણ જોડાયા હતા. ભાવનગર બેઠક પરથી તેઓ આપના ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. કૉંગ્રેસમાંથી તેમણે થોડા સમય પહેલા જ રાજીનામું આપ્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર