રાજ્યના પ૭ તાલુકાઓમાં નોંધનીય વરસાદ : દક્ષિણ ગુજરાતમાં પુરની સ્થિતી(જુઓ ફોટા)

બુધવાર, 3 ઑગસ્ટ 2016 (12:58 IST)
ગત સોમવારે રાત્રે દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હતા. ધોધમાર વરસાદને કારણે ધરમપુર, ઉમરગામ અને વાપીમાં ચારેબાજુ પાણી ફરી વળ્યા હતા. વાપી અને ધરમપુરમાં માત્ર 12 કલાકમાં 15 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સોમવારે રાત્રીએ આઠથી બીજા દિવસે મંગળવારે સવારે આઠ વાગ્યા સુધીમાં વાપી વિસ્તારમાં 12 ઇંચ જેટલું વરસાદી પાણી પડતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. વાપીમાં તો 24 કલાકમાં 17 ઈંચ વરસાદ નોંધાયો છે. 


(સાભાર - વોટ્સએપ ગ્રુપ)

વલસાડના ભાગડાવાડામાં પુરમાં તણાઈ જવાને કારણે એક યુવકનું જ્યારે કલસર ગામમાં વીજ કરંટ લાગતાં બે યુવકનાં મોત નીપજ્યાં હતાં. પાવી જેતપુરની ઓરસંગ નદીમાં તણાઈ જવાની બે યુવક જ્યારે ઉચ્ચ નદીમાં તણાઈ જવાથી 1 યુવકનું મોત થયું હતું. 

રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્‍લા ચોવીસ કલાક દરમ્‍યાન દક્ષિણ ગુજરાતમાં વરસવાનું ચાલું રાખીને પ૭ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્‍યો છે. જેમાં વલસાડ જિલ્‍લાના ધરમપુર તાલુકામાં ૩૪૮ મી.મી. એટલે કે ચૌદ ઇંચ જેટલો, વલસાડ  જિલ્‍લાના પારડીમાં ૩૧પ મી.મી. અને વાપીમાં ૩૧૪ મી.મી. મળી કુલ  બે તાલુકાઓમાં ૧ર ઇંચથી વધુ, કપરાડામાં રપર મી.મી. એટલે કે ૧૦ ઇંચથી વધુ જ્યારે વલસાડ જિલ્‍લાના ઉમરગામમાં ૧૬૧ મી.મી, ખેરગામમાં ૧૬૧ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં છ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે. 

રાજ્યના સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨-૮-ર૦૧૬ના રોજ સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમ્‍યાન  તાપી જિલ્‍લાના ડોલવણ તાલુકામાં ૧૪૦ મી.મી. અને ડાંગ જિલ્‍લાના વઘઇમાં ૧૩ર મી.મી. મળી કુલ બે તાલુકામાં પાંચ ઇંચથી વધુ જ્યારે ચીખલી તાલુકામાં ૧૦૯ મી.મી., ગણદેવીમાં ૧૧૧મી.મી., વાંસદામાં ૧૦૩ અને સુબીરમાં ૧૦૩ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ, છોટાઉદેપુરમાં ૮૧ મી.મી., ધાનપુરમાં ૮૦ મી.મી., કોડીનારમાં ૮૦ મી.મી., ડાંગમાં ૭૬ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ અને મોરવાહડફમાં ૭૧ મી.મી., લીમખેડામાં ૬૪ મી.મી., કુકરમુંડામાં ૭૧ મી.મી., મહુવામાં પ૧ મી.મી. અને માંડવીમાં પપ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે. 

આ ઉપરાંત રાજ્યના વીજયનગર,  ધનસુરા, માલપુર, મેઘરજ, મોડાસા, ડભોઇ, શિનોર, કવાંટ, ગોધરા, જાંબુઘોડા, શહેરા, ખાનપુર, લુણાવાડા, સંતરામપુર, દેવગઢબારીયા, ફતેપુરા, ગરબાડા, સંજેલી હાંસોટ, ગરૂડેશ્‍વર, સાગબારા, નીઝર, વાલોડ, જલાલપોર મળી કુલ ર૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે અન્‍ય ૧૪ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્‍યો હોવાના અહેવાલો છે.

વેબદુનિયા પર વાંચો