રાજ્ય સરકારની અમૃતમ મા યોજનાનો લાભ લેવા લોકોએ હડધુત અને ધક્કા ખાવા પડે છે

શનિવાર, 7 ફેબ્રુઆરી 2015 (13:48 IST)
મુખ્યમંત્રી અમૃત મા યોજના અંતર્ગત આર્થિક પછાત એવા લોકોને આરોગ્ય સારવાર માટે લાભો નિશ્ચિત કર્યા છે પરંતુ આ યોજનાના કાર્ડ કઢાવવામાં પણ ઘોઘા અને ભાવનગરના ગરીબ દર્દીઓને ભારે લાચારી સહન કરવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

સર ટી. હોસ્પીટલ બ્લોક હેલ્થ ઓફીસ મુકામે ભાવનગર તેમજ ઘોઘા તાલુકાના ઓછી આવકવાળા નાગરીકોને મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજના નીચે આરોગ્ય સારવારના આરોગ્ય સહાયતા કાર્ડ મેળવવામાં ઘોઘા અને ભાવનગર તાલુકાના ગામડાઓના ગ્રામ્યજનોને આ વિભાગના કહેવાતા સત્તાવાળાઓ મારફત પારાવાર જોહુકમી સામે ભારે રોષ ઉભો થવા પામેલ છે. ખાસ કરીને આ યોજના મહિલાઓ સાથે જોડાયેલી હોય વહેલી સવારે આ કેન્દ્રમાં સંતાનોને સાથે આવતી મહિલાઓને ત્રણથી ચાર કલાક રાહ જોવા છતાં આ કામ પૂર્ણ કરવામાં આવતું નથી. કામ કરતા ઓપરેટર લાભાર્થી મહિલાઓ સાથે તોછડુ વર્તન કરતા હોવાની અને કામો ટલ્લે ચડાવી દેવાની ધમકી આપતા હોવાની વરતેજ તેમજ ઘોઘા ગામના કામો નહીં કરવાની ધમકી અરજદારોને આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉભી થવા પામેલ છે. આ કામ કરતા કર્મચારી સતત મોબાઇલ ઉપર વાતો કરે છે !! લોકોના કામ થતા નથી. ગામડાઓમાંથી આવતાને ધરમના ધક્કા થાય છે.

વેબદુનિયા પર વાંચો