કોરોના પછી યોજાયો સૌ પ્રથમ ફિઝીકલ ટ્રાવેલ ટ્રેડ શો, પ્રવાસન ઉદ્યોગને મળશે ગતિ

રવિવાર, 7 માર્ચ 2021 (09:57 IST)
બિઝનેસ અંગે ત્રણ દિવસ ચાલેલા પરામર્શ પછી, અનેક શહેરોમાં યોજાતા શોમાં  સૌથી મોટા ટ્રાવેલ શો તરીકે ગણના પામતા ટીટીએફ, અમદાવાદનુ  શનિવારે સફળતાથી સમાપન થયુ છે. સમગ્ર ગુજરાતમાંથી 4800થી વધુ ટ્રેડ વિઝિટર્સ સામેલ થયા હતા, જેમાં  ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના  ટ્રાવેલ ટ્રેડ એકમોએ 130 એક્ઝીબિટર્સ, 5 દેશ અને 13 રાજ્યોના પ્રતિનિધિઓ સાથે બિઝનેસ કર્યો હતો.
આ શોમાં અપેક્ષા કરતાં મોટી સંખ્યામાં ટ્રેડ વિઝીટર્સ સામેલ થયા હતા. આ શોએ આપેલા વચન મુજબ તે ફિઝીકલ ટ્રાવેલ ટ્રેડ શો ફરીથી શરૂ કરવા માટે મહત્વનું સિમાચિહ્ન બની રહ્યો હતો અને પ્રવાસન ઉદ્યોગ માટે ગુજરાતનું વ્યાપક ટ્રાવેલ માર્કેટ ફરીથી ખૂલવાની આશા ઉભી કરી હતી.
ટીટીએફ અમદાવાદનું ઉદ્દઘાટન અગ્રણી ટ્રાવેલ એસોસિએશનના હોદ્દેદારો, ટુરિઝમ ઉદ્યોગના મહાનુભવો અને સરકારી પ્રવાસન અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. પ્રારંભિક પ્રેસ કોન્ફરન્સમાં ફેર ફેસ્ટ મિડીયા લિમિટેડના ચેરમેન અને સીઈઓ સંજીવ અગરવાલે જણાવ્યું હતું કે “અમે ટીટીએફ શોનું સંચાલન છેલ્લા 30 વર્ષથી ભારતના ટોચના શહેરોમાં કરી રહ્યા છીએ. સામાન્ય રીતે ટીટીએફ અમદાવાદનું આયોજન દિવાળીની રજાઓ પહેલાં કરવામા આવે છે. અમે ટ્રાવેલ ઉદ્યોગને ચેતવંતો બનાવવા અને સહાય કરવા માટે ટીટીએફની આ એડીશનનું મહામારી પછી આયોજન કર્યું છે.”
 
ઈન્ડીયા ટુરિઝમ મુંબઈના આસિસ્ટન્ટ ડિરેક્ટર જીતેન્દ્ર જાધવે જણાવ્યું હતું કે “અમે સ્થાનિક ટુરિઝમને ભારે વેગ આપવા તથા ટુરિઝમ મંત્રાલયે રજૂ કરેલી એક ભારત, શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ જેવી પ્રોડક્ટસ રજૂ કરવા માટે ભાગ લીધો છે.”
 
ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજીંગ ડિરેક્ટર અને કમિશ્નર ઓફ ટુરિઝમ શ્રી જેનુ દેવને (આઈએએસ) પ્રથમ દિવસે આ શોની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે “સમગ્ર દેશમાં કોવિડ સંબંધિ નિયંત્રણો હોવા છતાં ટીટીએફનું આયોજન કરવા બદલ હું આયોજકોને અભિનંદન પાઠવું છું. 
 
આ શો એક્ઝીબિટર્સ સાથે વર્ચ્યુઅલ મુલાકાતના બદલે ભૌતિક પરામર્શ કરવા ઈચ્છતા ગુજરાતના ટ્રાવેલ ટ્રેડને જોડવા માટે ઘણી સારી તક પૂરવાર થયો છે. આ શોને જે પ્રતિસાદ મળ્યો છે તે ખૂબ જ હકારાત્મક અને ઉત્સાહજનક છે. પ્રવાસન ઉદ્યોગ ફરીથી ટૂંક સમયમાં કોવિડ પૂર્વેની સ્થિતિએ પહોંચી જશે.”
 
રાજસ્થાન ટુરિઝમ રોડ શોઃ
રાજસ્થાન ટુરિઝમે પ્રથમ દિવસે ખાસ ટ્રાવેલ ટ્રેડ અને મિડીયા માટે ટીટીએફ અમદાવાદમાં માહિતીપ્રદ રોડ શોનું આયોજન કર્યું હતું. રાજસ્થાન ટુરિઝમના ડેપ્યુટી ડિરેક્ટર અજય શર્માએ રંગીલા રાજસ્થાનની આધુનિક ઓફરો અંગે એક વાયબ્રન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને શોમાં હાજરી આપનારા લોકોએ પૂછેલા અનેક સવાલોના જવાબ આપ્યા હતા. પ્રેઝન્ટેશન પછી હાઈ-ટી નું આયોજન કરાયું હતું.
 
આ ઉપરાંત ટ્રાવેલ ટ્રેડ ફેડરેશન ઓફ ઈન્ડીયા (ટીએએસઆઈ) તરફથી એક નેટવર્કીંગ સેશનનું આયોજન કરાયું હતું જે આ વર્ષનું એક આકર્ષણ બન્યું હતું. ઉદેપુર પેવેલિયન જેવા સ્થળો માટે શો ફલોર ઉપર પ્રોડક્ટ પ્રેઝન્ટેશન કરાયું હતું, જેનો ટ્રાવેલ ટ્રેડને લાભ મળ્યો હતો.
 
ત્રણ દિવસના આ શોનું ઉત્સાહપૂર્વક આખરી બેઠક અને એવોર્ડ ફંક્શન સાથે સમાપન થયું હતું, જેમાં બેસ્ટ પ્રિન્ટ પ્રમોશન મટિરિયલ, મોસ્ટ એક્સક્લુઝીવ લેઈઝર પ્રોડક્ટ, બેસ્ટ વેલ્યુ લેઈઝર પ્રોડક્ટ જેવા વિવિધ કેટેગરીના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
 
ઈન્ડીયા ટુરિઝમ, મુંબઈના આસિ. ડિરેક્ટર જીતેન્દ્ર જાદવ અને ટીટીએફના મેનેજીંગ ડિરેક્ટર અને સીએમઓ ગઝનફર ઈબ્રાહિમે ટીટીએફમાં સામેલ થનારા વિજેતા પ્રદર્શકોને એવોર્ડ વિતરણ કર્યું હતું.
 
આ પ્રસંગે નોંધ લેતાં ટીટીએફના સીઈઓ સંજીવ અગ્રવાલે જણાવ્યુ હતું કે “અમને અપેક્ષા કરતાં વધુ ઘણો સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો છે અને તેનાથી માત્ર આ વિસ્તારમાં જ નહીં, પણ સમગ્ર ભારતમાં પ્રવાસન પ્રવૃત્તિના ચક્રો ગતિમાં આવશે. આશરે લગભગ એક વર્ષના શટડાઉન પછી આ ઉદ્યોગ ફરીથી ચેતનવંતો થશે.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર