Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Vishvambhari akhil vishwa tani janeta,

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,

વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા,

દુરબુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧

 

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,

સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની,

ભાસે ભયંકર વળી મનમાં ઉતાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૨

 

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,

જન્માંધ છું જનની હું ગ્રહું બાંહ તારો,

ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૩

 

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું

આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,

કોને કહું કઠણ યોગ તણો બળાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૪

 

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,

આડંબરે અતિ ઘણો મદથી બકેલો,

દોષો થકી દુષિતના કરી માફ આપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૫

 

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,

ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,

શ્રધ્ધા થકી નથી કર્યા તવ નામ જાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૬

 

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી,

આ જિંદગી થઇ મને અતિસે અકારી,

દોષો પ્રજાળી સઘળા તવ નામ છાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૭

 

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો,

બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો,

શક્તિ ન માપ ગણવા અગણિત માપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૮

 

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,

ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો,

જાડયાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૯

 

શીખે સુણે રસીક છંદ જ એકચિત્તે,

તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે,

વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૦

 

શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને ભજુ છું,

રાત્રી દિને ભગવતી તુજને જપું છું,

સદ્ ભક્ત સેવક તણા પરિતાપ કાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૧

 

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,

ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,

સંસારનાં સકળ રોગ સમુળ કાપો,

મામ્-પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો ... ૧૨

 

તારા સિવાય જગમાં નથી કોઇ મારું,

સાચા સગા ભગવતી મે બહુ વિચાર્યું,

ભુલ કદાચ ભવ પાસ તણા પ્રસંગે,

માગું ક્ષમા ભગવતી આ પ્રસંગે ... ૧૩

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર