અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યાલય પર હજુ કાગડા ઉડે છે, પોલીસ સાથે કાર્યકરોની બોલાચાલી, વસ્ત્રાલમાં ‘આપ’નો આક્રોશ

મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (11:18 IST)
મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન ગણતરી શરૂ થયા બાદ શરૂઆતી પરિમાણો આવવા લાગ્યા છે. ત્યારે ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે 11 વાગ્યા સુધી કોઈ મોટી ચહલપહલ જોવા નથી મળી રહી. શરૂઆતી પરિણામોમાં ભલે ભાજપ આગળ હોય પરંતુ જે રીતે કોંગ્રેસની સાથે આપના ઉમેદવારોના મતોની નોંધ લેવાઈ છે, જેથી બન્ને પક્ષની ચિંતામાં વધારો કર્યો છે. તેવામાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે 10.30 વાગ્યે રાજ્યની મહાનગરપાલિકા ની ચૂંટણીના પ્રભારી આઈ. કે જાડેજા કાર્યાલય પહોંચ્યા છે. તે અગાઉ 9 વાગ્યે ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ પણ કાર્યાલય પહોંચ્યા હતાં. કાર્યાલય ખાતેથી અમદાવાદ ના તમામ વોર્ડના કાર્યકરોને કાર્યાલય પહોંચવા માટે સૂચના આપવામાં આવી રહી છે. કાર્યાલય ખાતે હોલમાં ડિસ્પ્લે ગોઠવી સામુહિક રીતે પરિણામ જોવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
‘આપ’ અને ઓવૈસીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો
બીજી બાજુ કોંગ્રેસની સ્થિતિ પહેલાં કરતાં પણ નાજુક થતી શરૂઆતના ટ્રેન્ડમાં જોવા મળી છે. આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીનું ખાતુ ખુલતાં કોંગ્રેસને મતનું નુકશાન ભોગવવું પડ્યું છે. વડોદરામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થઈ રહી છે. અમદાવાદમાં ભાજપ આગળ રહેતા ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો થયો છે. શહેરમાં ગુજરાત કોલેજની બહાર જોધપુર વોર્ડના કાર્યકર્તાઓ ઉજવણી માટે તૈયાર થઈ ગયાં છે.અમદાવાદમાં પોલીસ- ભાજપ કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી. પૂર્વ કોર્પોરેટર બિપિન સિક્કાની પોલીસ સાથે માથાકૂટની ઘટના સામે આવી છે. મતગણતરી કેન્દ્રમાં જવા બાબતે બોલાચાલી થઈ હતી. 
લોકોની પોલીસ સાથે બોલાચાલી
ગુજરાત કોલેજની બહાર ગેટ બંધ કરતા લોકો માં રોષ ફેલાયો હતો. જજના ડ્રાયવર,ઓફીસ એ જતા લોકો,અને હોસ્પિટલમાં જતા લોકો  અટવાયા હતાં. ચારે બાજુ ગેટ બંધ કરતા લોકો માં રોષ ફેલાયો છે.પોલીસ કર્મીઓ સાથે લોકોએ બોલાચાલી કરી હતી. લાંબી બોલાચાલી બાદ લોકો સામે પોલીસની પીછેહઠ થઈ હતી અને પોલીસે લોકોના આક્રોશના કારણે બેરીકેટીંગ હટાવી દીધાં હતાં. બીજી બાજુ વસ્ત્રાલમાં આમ આદમી પાર્ટીએ ઈવીએમ પર આક્ષેપો કર્યાં છે. 
પરિણામમાં અમદાવાદની સ્થિતિ
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. શરૂઆતના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM, જ્યારે ભાજપ 62 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે.
મતગણતરીના બંને સ્થળની હાલની સ્થિતિ
ગુજરાત કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. પોલીસ 30થી વધુ જવાન ગેટ પર તૈનાત, તમામ ઉમેદવાર અને એજન્ટોનું સઘન ચેકિંગ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત કોલેજની ફરતે પોલીસે રસ્તા બંધ કરી બેરિકેડિંગ કર્યું છે. એલ. ડી.કોલેજના 2 નંબરના ગેટ પાસે બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વાહન લઇને જવા પર પ્રતિબંધ છે. જ્યારે પોલીસ ઉપરાંત BSFનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જ્યારે ઉમેદવારો 3 નંબરના ગેટથી વાહન લઇને આવી શકશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર