કોવિડ સંક્રમણ બાદ 'ઍન્ટી બૉડી' ઝડપથી ઘટી જાય છે?

શનિવાર, 21 નવેમ્બર 2020 (14:51 IST)
શોધકર્તાઓનું કહેવું છે કે કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ લોકોમાં પ્રૉટેક્ટિવ ઍન્ટી બૉડી બહુ ઝડપથી ઓછાં થઈ જાય છે.
 
ઍન્ટી બૉડી આપણી રોગપ્રતિકારક ક્ષમતાનો એક મહત્ત્વનો ભાગ છે અને તે વાઇરસને શરીરના કોષોમાં પ્રવેશતો અટકાવે છે.
 
ઇંગ્લૅન્ડની 'ધ ઇમ્પીરિઅલ કૉલેજ'ની ટીમનું કહેવું છે કે જૂન અને સપ્ટેમ્બર વચ્ચે ઍન્ટી બૉડી માટે પૉઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવા લોકોની સંખ્યા યૂ.કે. માં 26% જેટલી ઘટી ગઈ છે.
 
ટીમ અનુસાર લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા ઘટી રહી છે. લોકો એકથી વધુ વખત વાઇરસથી સંક્રમિત થાય તેવું જોખમ વધી ગયું છે.
 
'રિઍક્ટ -2' શોધ અંતર્ગત ઇંગ્લૅન્ડમાં 3,50,000 લોકોએ અત્યાર સુધી ઍન્ટી બૉડી ટેસ્ટ કરાવ્યો છે.
 
જૂનના છેલ્લા અઠવાડિયા અને જુલાઈના પ્રથમ અઠવાડિયા દરમિયાન પ્રથમ રાઉન્ડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 1000 લોકોમાંથી 60 લોકોમાં ઍન્ટી બૉડી જોવાં મળ્યાં હતાં.
 
પરંતુ સપ્ટેમ્બરમાં કરવામાં આવેલા હાલના પરીક્ષણમાં 1000માંથી માત્ર 44 લોકોનો ઍન્ટી બૉડી ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.
 
આ સૂચવે છે કે ઉનાળાથી શરદઋતુ વચ્ચે ઍન્ટી બૉડી હોય તેવી વ્યક્તિઓની સંખ્યામાં 25% જેટલો ઘટાડો નોંધાયો છે.
 
શોધકર્તા પ્રોફેસર હૅલન વૉર્ડ કહે છે, "રોગપ્રતિકારક શક્તિ ઝડપથી ઘટી રહી છે. પ્રથમ રાઉન્ડનું પરીક્ષણ પૂર્ણ થયું એને માત્ર ત્રણ મહિના થયા છે અને ઍન્ટી બૉડીમા 26% ઘટાડો થઈ ગયો છે."

યુવાનોની સરખામણીમાં 65 વર્ષની ઉંમરની વ્યક્તિમાં આ ઘટાડો વધુ તીવ્ર છે. કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોય તેવા લોકોની સરખામણીમાં જેમને કોવિડનાં લક્ષણો છે, તેવી વ્યક્તિમાં પણ ઍન્ટી બૉડીમાં ઘટાડો જોવા મળ્યો છે.
 
ઍન્ટી બૉડીઝ ધરાવતા આરોગ્ય કર્મચારીઓની સંખ્યા બહુ મોટી છે અને શોધકર્તાઓ અનુસાર આ પાછળનું કારણ છે કે તેઓ સતત વાઇરસના સંપર્કમાં હોય છે.
 
કોરોના વાઇરસને શરીરના કોષો પર હુમલા કરતો અટકાવવા ઍન્ટી બૉડી વાઇરસની સપાટી પર ચોંટી જાય છે.
 
ઍન્ટી બૉડી ઘટી જવાથી ઇમ્યુન સિસ્ટમ પર શું અસર થાય છે, તે વિશે ચોક્કસ માહિતી નથી.
 
જોકે, શોધકર્તાઓનું માનવું છે કે ઍન્ટી બૉડી અનુમાન લગાવી શકે છે કે કોણ સુરક્ષિત છે અને કોણ નહીં.
 
પ્રોફેસર વૅન્ડી બાર્કલે કહે છે, "આપણે ઍન્ટી બૉડી જોઈ શકીએ છીએ અને એ પણ જોઈ શકીએ છીએ કે તેમની સંખ્યા ઘટી રહી છે."
 
"અમે એ પણ જાણીએ છીએ કે ઍન્ટી બૉડી પોતે બહુ રક્ષણાત્કમ હોય છે."
 
"જો પુરાવાની વાત કરું તો હું કહી શકું છું કે જે ઝડપથી ઍન્ટી બૉડી ઘટવા લાગે છે તે જ ઝડપથી ઇમ્યુનિટી પણ ઘટવા માંડે છે અને આ સૂચવે છે કે રોગપ્રતિકારકક્ષમતા ઘટી રહી છે."
 
વિશ્વમાં વધુ ચાર કોરોના વાઇરસ છે, જેનાથી તમે અસંખ્ય વાર સંક્રમિત થઈ શકો છો. આ વાઇરસથી સામાન્ય શરદી અને તાવ થાય છે, જેનો તમે દર 6 અથવા 12 મહિના બાદ ચેપ લાગી શકે છે.
 
એવા બહુ જૂજ કેસો સામે આવ્યા છે, જેમાં વ્યક્તિ બીજી વાર કોરોના વાઇરસથી સંક્રમિત થઈ હોય.
 
જોકે શોધકર્તાઓ કહે છે કે માર્ચ અને એપ્રિલમાં જ્યારે સંક્રમણ ટોચ પર હતું ત્યારે જે રીતે રોગપ્રતિકારક ક્ષમતા ઘટવાની શરૂઆત થઈ છે, તેના કારણે આવું થઈ શકે છે.
 
એવી આશા છે કે બીજી લહેર પહેલાં કરતાં હળવી હશે અને રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય તો પણ શરીરને પહેલીવાર ચેપ લાગ્યો હશે તો તેની એક 'ઇમ્યુન મૅમરી' હશે અને તેને ખબર હશે કે કઈ રીતે પ્રતિકાર કરવો.
 
શોધકર્તાઓનું કહેવું છે કે તેમનાં તારણો વૅક્સિનની આશાને ધૂંધળી કરતાં નથી. વૅક્સિન ચેપ સામે વધુ અસકારક પુરવાર થશે.
 
શોધકર્તા પ્રોફેસર ગ્રૅહામ કુક કહે છે, "વાસ્તિવકતા એ છે કે પ્રથમ લહેર બાદ દેશના મોટા ભાગના લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા હોવાના પુરાવા નથી."
 
"વૅક્સિનની એટલી જ જરૂરી છે અને ડેટાના કારણે આમાં પરિવર્તન નથી આવી જતું."
 
'રિઍક્ટ -2'ના નિયામક પ્રોફેસર પૉલ ઇલિયટનું કહેવું છે કે શોધનાં તારણોના આધારે વૅક્સિનની અસર વિશે કોઈ પણ નિર્ણય પર આવવું, એ યોગ્ય નથી.
 
તેઓ કહે છે, "કુદરતી સંક્રમણના પ્રતિભાવ સામે વૅક્સિનનો પ્રતિભાવ અલગ હોઈ શકે છે."
 
જોકે તેમનું માનવું છે કે ઘટી રહેલી રોગપ્રતિકારક શક્તિને ફરીથી જીવીત કરવા માટે અમુક વ્યક્તિને જે પણ રસી ઉપલબ્ધ કરાવવામાં આવે તેનો બુસ્ટર ડોઝ આપવો પડશે.
 
શોધનાં તારણો વિશે વાત કરતા 'યુનિવર્સિટી ઑફ નૉટીંગમ'ના પ્રોફેસર જૉનાથન બૉલ જણાવે છે કે, "શોધ પુરવાર કરે છે કે સમયની સાથે મોટી વયના લોકોમાં ઍન્ટી બૉડીના પ્રતિભાવમાં ઘટાડો આવે છે."
 
જોકે તેમણે કહ્યું કે એ બહુ જરૂરી છે કે 'રક્ષાત્મક ઇમ્યુનિટી' શું હોય છે, તે વિશેની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ થાય.
 
ઍડિનબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર ઍલેનોર રિલેનું કહેવું છે, "ઇમ્યુનિટી નથી એવું માની લેવું ઉતાવળિયું પગલું ગણાશે, પરતું ડેટા એવું ચોક્કસ જણાવે છે કે કુદરતી સંક્રમણથી પ્રેરિત ઍન્ટી બૉડી ટૂંકું આયુષ્ય ધરાવે છે. એ જ રીતે જે રીતે ઋતુ આધારિત કોરોના વાઇરસ."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર